દેશ માટે આ દીકરીઓનો સંકલ્પ ખરેખર પ્રેરણાદાયી

વડોદરા: કોરોના સંકટના આ કપરા કાળમાં માનવીય સંવેદના અને સેવા સંકલ્પોની અનેરી ગાથાઓ પ્રકાશમાં આવી રહી છે. વડોદરાના ભટ્ટ પરિવારની બે નાનકડી અને લાડકી દીકરીઓની પણ કથા કાંઇક આવી જ છે, લાગણીશીલતાના સ્પર્શથી ભરેલી એક સંવેદના કથા. નાની ઉંમરે પણ સમજદારીની દર્શન કરાવતી આ કથા સૌને પ્રેરણા આપે એવી છે.

વાત એમ છે કે, કોરોના સંકટને અનુલક્ષીને હાલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અવારનવાર દેશને સંબોધન કરે છે.

આ ભટ્ટ પરિવારની દીકરીઓ 7 વર્ષની સર્વા અને 12 વર્ષની દૂર્વા એ પણ મોદીદાદાને સાંભળ્યા અને એમના મનમાં પોતે દેશને કેવી સહાયક બની શકે એનો વિચાર જાગ્યો. એમણે પોતાના માતા-પિતા સ્મિતાબહેન અને યશ ભટ્ટ સમક્ષ એક સંકલ્પ વ્યક્ત કર્યો કે એ એક વર્ષ સુધી શોપિંગ નહિ કરે, એના પૈસા પણ નહીં માગે. એટલું જ નહિ જૂલાઈમાં આવતો એમને જન્મ દિવસ પણ નહીં ઉજવે. આ સંકલ્પ થી જે બચત થાય એ અને માતા-પિતાને યોગ્ય લાગે એટલી રકમ ઉમેરીને એ રકમ એમણે નરેન્દ્રદાદાના કોરોના રાહત ફંડમાં આપવી હતી.

નાનકડી દીકરીઓની આટલી ઊંચી સમજ, પોતાના હક્કનું જતું કરીને મુશ્કેલીમાં હોય એમને મદદરૂપ થવાની ભાવના અને માનવીયતા જોઈને માતા-પિતા પણ લાગણીથી અભિભૂત થઈ ગયા.


એમણે તુરત જ રૂ.1 લાખની રકમ પી.એમ.કેરમાં યોગદાન રૂપે જમા કરાવવાનો નિર્ણય કર્યો. સ્મિતાબેન કલેકટર કચેરી પહોંચી ગયા અને જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલને મળીને આ રકમ જમા ય કરાવી દીધી.

સ્મિતાબહેન કહે છેઃ સંકટની ઘડીએ રાષ્ટ્રને મદદરૂપ થવાની સહુની ફરજ છે.પરંતુ અમારી નાનકડી દીકરીઓ આટલી ઊંચી સમજદારી બતાવશે અને અમને પોતાને સેવાની નવી દિશા દર્શાવશે એની કલ્પના ન હતી.

જિલ્લા કલેકટરે પણ આ બંને નાનકડી દીકરીઓની ભાવનાને બિરદાવી અને ટ્વિટ કરીને લોકોને તેમના આ પ્રેરક કાર્યની જાણ કરી.