વડોદરાઃ ગુજરાતી અને ઉર્દૂ ભાષાના જાણીતા કવિ, ગઝલકાર, શાયર અને લેખક ખલીલ ધનતેજવીનું વડોદરામાં આજે વહેલી સવારે નિધન થયું હતું. એ 82 વર્ષના હતા. એમને ગુજરાતી સાહિત્યના મિર્ઝા ગાલિબ તરીકે ઓળખવામાં આવ્યા છે. એમનો જન્મ વડોદરા જિલ્લાના ધનતેજ ગામમાં 1938ની 12 ડિસેમ્બરે થયો હતો. એમણે ગુજરાતી અને ઉર્દૂ ભાષામાં સેંકડો ગઝલ લખી છે. એમણે અનેક ટૂંકી વાર્તાઓ પણ લખી છે. એમણે ઉર્દૂમાં અનેક કવિતાઓ લખી છે, જેને સુપ્રસિદ્ધ ગાયક સ્વ. જગજીતસિંહએ સ્વરબદ્ધ કરી હતી. ધનતેજવીના નિધનથી ગુજરાતી સાહિત્યપ્રેમીઓમાં શોકની લાગણી ફરી વળી છે. ઘણા લોકો એમને શબ્દાંજલિ અર્પણ કરી રહ્યાં છે.
ખલીલ ધનતેજવીના નિધન અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટરના માધ્યમથી દુઃખ વ્યક્ત કર્યું છે.
ગુજરાતના પ્રખ્યાત કવિ, લેખક અને ગઝલકાર ખલીલ ધનતેજવીના અવસાનથી દુઃખ અનુભવું છું. ગુજરાતી ગઝલને રસપ્રદ
બનાવવામાં તેમનું યોગદાન હંમેશા યાદગાર રહેશે. શોકગ્રસ્ત પરિવાર અને એમના વિશાળ ગઝલપ્રેમી ચાહકવર્ગને સાંત્વના..! ઓમ શાંતિ…!!!— Narendra Modi (@narendramodi) April 4, 2021
ખલીલ ધનતેજવી અનેક મુશાયરામાં એમની આગવી શૈલીમાં રંગત જમાવતા હતા. એમની લોકપ્રિય થયેલી અનેક રચનાઓમાંની અમુકઃ
તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,
અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.
કહો તો માછલીની આંખમાં ડૂબકી દઇ આવું,
પણ આ છીછરું ખાબોચિયું આપણને નહીં ફાવે.
******
ખુમારી તો ખરેખર વારસાગત ટેવ છે મારી,
હું મારી ટેવ છોડીને તને મળવા નહીં આવું.
******
હું ખલીલ, આજે મર્યો છું, એ પ્રથમ ઘટના નથી,
જિન્દગીભર હપ્તે હપ્તે રોજ ચૂકવાયો હતો.
******
જો પતંગિયું હોલવી દેતે તો દુઃખ થાતે મને,
મારો દીવો સીધો વાવાઝોડે ટકરાયો હતો.
******
સાવ ખાલી હાથે પણ આલીશાન જીવ્યો છું,
મેં સતત ગઝલ માફક, જિંદગી મઠારી છે.