અમદાવાદઃ વડા પ્રધાન મોદીનાં માતા હીરાબાનું નિધન થયું છે. હીરાબાના નિધનને લીધે રાજ્યમાં શોક વ્યાપ્યો છે. ત્યારે વડનગરના વેપારીઓ ત્રણ દિવસ બંધ પાળીને તેમને શ્રદ્ધાંજલિ આપશે. હીરાબાની વડનગરમાં અનેક યાદો જોડાયેલી છે. તેઓ એક નીડર મહિલા તરીકે એ સમયે વડનગરમાં ઓળખ ધરાવતાં હતાં. વડા પ્રધાન મોદીએ પણ તેમના બ્લોગમાં વડનગરની યાદોને હીરાબાના જન્મદિવસે યાદ કરી હતી.
વડનગરના વેપારી એસોસિયેશને સ્વયંભૂ જ બંધ પાળીને શ્રદ્ધાંજલી આપી છે. હીરાબાના નિધન બાદ વડનગરના લોકોમાં પણ ભારે શોક વ્યાપ્યો છે. વેપારીઓએ જાહેરાત કરી હતી કે વડા પ્રધાનના માતાના નિધનને પગલે શહેરના તમામ વેપારીઓ શુક્ર, શનિ અને રવિવારે બંધ પાળશે. નગરના સર્વે નાગરિકો આ દુઃખદ પ્રસંગે ઘેરા શોક અને દુઃખની લાગણી અનુભવે છે.
વડા પ્રધાનનાં માતા હીરાબાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે તેમની તબિયત ફરીથી તંદુરસ્ત થાય એ માટે વડનગરના હાટકેશ્વર મંદિરમાં પૂજા-અર્ચના કરવામાં આવી હતી. હીરાબાના દીર્ઘ આયુષ્યને લઈ રુદ્રાભિષેક, રુદ્રીય પાઠ કરવામાં આવ્યો હતો. હાટકેશ્વર મંદિરમાં ભૂદેવો દ્વારા હીરાબા સ્વસ્થ થઈ પરત ફરે તેવી હાટકેશ્વર મહાદેવને પ્રાર્થના કરવામાં આવી હતી.
વડનગરના વેપારી નવીનભાઈ મોદીએ જણાવ્યું હતું કે હીરાબાના નિધનથી વડનગર નહીં આખા દેશમાં શોક છે. હીરાબા નરેન્દ્રભાઇ એકનાં માતા નહોતાં, તેઓ આખા વડનગરનાં માતા હતાં. એમને શ્રદ્ધાંજલિના ભાગરૂપે અમે બધા વેપારીઓ ત્રણ દિવસ સુધી બજારો બંધ રાખીશું.. હીરાબા એ વાત્સલ્ય અને જ્ઞાનના મૂર્તિ હતાં. તેમણે પોતાના પરિવારની સાથે વડનગરની પણ સારી રીતે કાળજી રાખી છે. તેમના સંઘર્ષ અને આશીવાર્દ કારણે જ નરેન્દ્રભાઈ મુખ્ય મંત્રી અને વડા પ્રધાન બન્યા છે.
