ઉત્તરાયણઃ પતંગ, દોરીની કિંમતો આસમાને પહોંચી

અમદાવાદઃ ગુજરાતીઓ દ્વારા ઊજવવામાં આવતો સૌથી મોટા તહેવારમાનો એક ઉત્તરાયણ છે. જે હવે માત્ર ત્રણ સપ્તાહ દૂર છે. ગુજરાતીઓ ઉત્તરાયણનો તહેવાર ખૂબ ઉત્સાહથી ઊજવે છે, પણ આ વખતે પતંગ અને દોરીની કિંમતોમાં 2020ની તુલનાએ 50 ટકાનો વધારો થયો છે. કોરોનાને કારણે 2021ની ઉત્તરાયણ પણ ફિક્કી રહી હતી. કોરોનાને લીધે લોકોના ઉમંગ-ઉત્તસાહમાં ખાંચરો પડ્યો છે, તો પતંગ અને દોરીની કિંમતો આસમાને પહોંચી છે.  

અમદાવાદમાં છૂટક દુકાનદારના જણાવ્યાનુસાર આ વખતે 20 પતંગની કિંમતો 2020ની તુલનાએ રૂ 100થી વધી રૂ. 150 થયા છે, જ્યારે 1000 વાર દોરીની કિંમત રૂ. 150થી વધીને રૂ. 200 થયા છે. દોરીની ગુણવત્તાને કારણે દોરીની કિંમતોમાં વધારો થાય છે, એમ દુકાનમાલિકોએ કહ્યું હતું.

જોકે ઉત્તરાયણમાં પણ કોરોના અને એના નવા વેરિયેન્ટ ઓમિક્રોનના જોખમને જોતાં છૂટક દુકાનમાલિકોએ વેચાણમાં ઘટાડાને ધ્યાનમાં રાખતાં ઓછો સ્ટોક ભરવાનું મુનાસિબ માન્યું છે. આ વખતે દુકાનદારોએ 60 ટકા જ માલ ભર્યો છે. વસ્ત્રાપુરમાં સીઝનલ સ્ટોરના માલિક દીપક ગાંધીએ કહ્યું હતું કે આ વખતે પતંગ અને દોરીના હોલસેલની કિંમતોમાં ધરખમ વધારો થયો છે. બીજું, કોરોનાને લીધે સરકાર વધુ નિયંત્રણો લાદશે તો પડ્યા પર પાટુ જેવી હાલત થશે, કેમ કે પતંગ-દોરીના જથ્થાબંધ ભાવોમાં દોઢો વધારો થયો છે, જ્યારે છૂટકમાં એનું વેચાણ ધાર્યા મુજબ નહીં થવાનો ડર તો ઊભો છે. આ વખતે પતંગ અને દોરીના ભાવમાં ક્યારેય ના થયો હોય એવો વધારો થયો છે અને મોટા જથ્થાબંધ વેપારીઓને ત્યાં ખરીદી ઠંડી છે. તેમણે કહ્યું હતું કે મારી 25 વર્ષના પતંગ-દોરીના વેપારમાં મેં કિંમતોમાં આટલો મોટો વધારો નથી જોયો.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]