આલિયા ભટ્ટ ‘PETA 2021 પર્સન-ઓફ-ધ-યર’ ઘોષિત

મુંબઈઃ વિશ્વસ્તરે પશુ-પ્રાણીઓનાં રક્ષણ માટે કાર્ય કરતી સંસ્થા પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ (PETA) ઈન્ડિયાએ બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટને PETA 2021 પર્સન ઓફ ધ યર તરીકે પસંદ કરી છે. પ્રાણીઓની સુખાકારીની કાળજી લેતા ફેશન ઉદ્યોગનું સમર્થન કરવા બદલ PETA સંસ્થાએ આ એવોર્ડ માટે આલિયાને પસંદ કરી છે. આલિયાએ હાલમાં જ ‘ફૂલ’ નામની એક કંપનીમાં મૂડીરોકાણ કર્યું હતું. આ કંપની મંદિરોમાં કચરાભેગા જતા ફૂલોમાંથી વિગન લેધર ‘ફ્લેધર’ બનાવે છે. આલિયા અવારનવાર બિલાડીઓ અને કૂતરાઓનું રક્ષણ કરવાનો લોકોને અનુરોધ કરતી હોય છે. આ માટે PETA સંસ્થાની એક ઝુંબેશમાં આલિયાએ અભિનય પણ કર્યો હતો.

ભૂતકાળમાં PETA ઈન્ડિયાનો પર્સન ઓફ ધ એવોર્ડ જીતનાર જાણીતી હસ્તીઓમાં કોંગ્રેસી સંસદસભ્ય શશી થરૂર, સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ કે.એસ. પણિકર રાધાકૃષ્ણન, ક્રિકેટર વિરાટ કોહલી, કોમેડિયન કપિલ શર્મા, બોલીવુડ અભિનેતાઓ જોન અબ્રાહમ અને આર. માધવન, અભિનેત્રીઓ અનુષ્કા શર્મા, જેક્લીન ફર્નાન્ડિઝ, હેમા માલિની, સોનમ કપૂર-આહુજા, સની લિયોની. પ્રાણીઓ માટે અલગ અલગ રીતે મદદરૂપ થવા બદલ આ વ્યક્તિઓને એવોર્ડ આપવામાં આવ્યો છે.