વડોદરા નજીક આવેલી IOCL (ગુજરાત રિફાઈનરી)માં 11 નવેમ્બરના રોજ થયેલી બ્લાસ્ટની ઘટનામાં બે કર્મચારીઓના મોત થયા હતા. આ મામલે વડોદરા ગ્રામ્ય સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ રાજેશ ચૌહાણ દ્વારા તપાસ માટે IOCL સહિતના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને મેજિસ્ટ્રીયલ ઇન્કવાયરી માટે બોલાવવામાં આવ્યા હતા. જોકે, IOCLના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર સહિતના કેટલાક અધિકારીઓ હાજર રહ્યા નહોતા, જે અધિકારીઓ હાજર રહ્યા હતા, તેઓએ પોતાના વચગાળાના રિપોર્ટ રજૂ કર્યા હતા. આગામી દિવસોમાં ફરીથી બધાને બોલાવીને સંપૂર્ણ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે IOCLના ચીફ જનરલ મેનેજર (એચઆર), એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર, ચીફ કંટ્રોલર, સાઈટ કંટ્રોલર, CISFના આસિ. કમાન્ડન્ટ (સિક્યૂરીટી), ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના પ્રાદેશિક અધિકારી, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગના નાયબ નિયામક, વડોદરા ગ્રામ્યના મામલતદાર, એક્ઝિક્યૂટીવ મેજિસ્ટ્રેટ, જવાહરનગરના પોલીસ સ્ટેશનના પીઆઇ અને તલાટી કમ મંત્રીને આજે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, વડોદરા ગ્રામ્ય દ્વારા કોઠી કચેરી ખાતે બોલાવવામાં આવ્યા હતા. જોકે, આજે IOCLના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર, GPCBના પ્રાદેશિક અધિકારી અને જવાહરનગર પોલીસ સ્ટેશનના સહિતના અધિકારીઓ હાજર રહ્યા નહોતા. તો બીજી તરફ આ સમયે કરચિયા ગામના લોકોએ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની ઓફિસ બહાર હોબાળો મચાવ્યો હતો. IOCLના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર હાજર ન થતાં ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, સમગ્ર ઘટનાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઘટનાના રિપોર્ટ જાહેર કરવા પણ ગ્રામજનોએ માગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, 11 નવેમ્બરના રોજ બપોરે 3.30 વાગ્યે ગુજરાત રિફાઇનરીના 68 નંબરના જ્વલનશીલ કેમિકલ બેન્ઝીન સ્ટોરેજ ટેન્કમાં ધડાકા સાથેની આગ બાદ રાત્રે 8:30 વાગે બીજા પ્રચંડ ધડાકા સાથે ટેન્ક ફાટી હતી. જેમાં કોન્ટ્રાક્ટર પરના બે કર્મચારીના મોત થયા હતા. આ ઉપરાંત આગ ઓલવવાની કામગીરી કરતા ફાયરબ્રિગેડના સબ ઓફિસર દાઝી ગયા હતા. ટેન્ક ફાટતાં ઢોળાયેલા બેન્ઝીનથી બાજુની 69 નંબરની ટેન્કમાં પણ આગ ફેલાતાં ચિંતાનો વિષય બન્યો હતો. વડોદરા ફાયરબ્રિગેડે સ્થિતિ પર કાબૂ મેળવવા અન્ય શહેરમાંથી પણ ફાયર એન્જિન બોલાવ્યા હતા.