અમદાવાદઃ હવામાન વિભાગે રાજ્યમાં પાંચ દિવસ માવઠાની સંભાવના વ્યક્ત કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રાજ્યના હવામાન પર પડવાની સંભાવના અમદાવાદના હવામાન કેન્દ્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં હાલના દિવસોમાં ભારે ગરમી પડી રહી છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 25થી 28 એપ્રિલ સુધી કમોસમી વરસાદ પડી શકે છે. જોકે અમદાવાદમાં બે દિવસ યલો એલર્ટની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. 26 એપ્રિલે અમદાવાદમાં પણ કમોસમી વરસાદ પડી શકે છે.
અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક વિજિનલાલે આગામી પાંચ દિવસ માટેની આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે 26 એપ્રિલ ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. 26, 27 અને 28 તારીખ દરમિયાન ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. વરસાદ થવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ થવાની આગાહી છે.પૂર્વ, દક્ષિણ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થવાની સંભાવનાઓ જોવામાં આવી રહી છે. રાજ્યમાં દાહોદ, તાપી, ડાંગ અને નર્મદા તથા સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, રાજકોટ અને કચ્છમાં હળવા વરસાદ કે થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર, તાપી, ડાંગ અને નર્મદામાં માવઠાની આગાહી છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છના દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ અને કચ્છમાં કમોસમી વરસાદની સંભાવનાઓ છે.
બે દિવસ રાજ્યમાં ગરમીનું ઊંચું પ્રમાણ રહી શકે છે, જેમાં ગરમીનો પારો 40-41 પર પહોંચી શકે છે, જોકે, આ પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગરમીમાં ઘટાડો થવાની શક્યતાઓ વૈજ્ઞાનિક વિજિનલાલ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે હવામાન વિભાગ દ્વારા હાલ હિટ વેવની આગાહી કરવામાં આવી નથી.