અમિત શાહે અમદાવાદમાં BAPS શ્રીસ્વામીનારાયણ મંદિરની મુલાકાત લીધી, આશીર્વાદ મેળવ્યા

અમદાવાદ – કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે સવારે અત્રેના BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરની મુલાકાતે ગયા હતા અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ લીધા હતા. શાહ સવારે 10.15 વાગે પહોંચ્યા હતા. જ્યાં મુખ્ય પ્રવેશદ્વાર ખાતે બ્રહ્મવિહારી સ્વામી તેમજ કોઠારી આત્મકિર્તી સ્વામીએ તેમને આવકાર્યા હતા. પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી તેમજ BAPS સંસ્થાના અન્ય વરિષ્ઠ મહારાજોની ઉપસ્થિતિમાં મહંત સ્વામી મહારાજે અમિત શાહને હાર પહેરાવીને એમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

દેશમાં શાંતિ તેમજ સુમેળ બની રહે તે માટે વેદિક પ્રાર્થનાઓ સંતો દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ અમિત શાહે શ્રી હરીકૃષ્ણ મહારાજ તેમજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું પૂજન કર્યું હતું. સ્વામીએ અમિત શાહના કપાળે તિલક કરી, કાંડા પર નાડાછડી બાંધીને એમને આશીર્વાદ આપ્યા હતા તેમજ સહુની સુરક્ષા માટે પ્રાર્થના કરી હતી.

સ્વામીએ અમિત શાહને પવિત્ર ચોખાથી વધાવ્યા હતા. એ વખતે સંતોએ મહામૃત્યુંજય મંત્રનો જાપ ચાલુ રાખ્યો હતો. સ્વામીએ આશીર્વાદ આપતાં કહ્યું હતું કે, ‘તમે અને આપણા દેશના માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી બંને મળીને આપણા દેશ તેમજ દેશવાસીઓને સંગઠિત રાખીને એક નવા ભારતનો ઉદય કરો અને આવતાં પાંચ વર્ષોમાં દેશમાં વીસ વર્ષ જેટલી પ્રગતિ તેમજ વિકાસ લાવો.’ અમિત શાહે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને લાગણીપૂર્વક યાદ કર્યાં હતા.