ભૈયુજીની અણધારી વિદાયઃ PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટનું શું?

અમદાવાદ– એ રહેતાં હતાં ઇન્દોરમાં, પણ દેશવિદેશના જનસામાન્યથી લઇને વડાપ્રધાન-મુખ્યપ્રધાન સહિતના સમાજજીવનના ટોચના નેતાઓ સુધી તેમની પિછાણ હતી. અચાનક માથામાં ગોળી મારી મોતને ભેટી ગયેલાં ભૈયુજી મહારાજનો ગુજરાતના પૂર્વ સીએમ-હાલના પીએમ મોદી સાથેનો ખૂબ જ નિકટનો નાતો રહ્યો હતો, જેને લઇને તેમને મોટી જવાબદારી સોંપાઇ હતી. હવે ભૈયુજી મહારાજના અવસાનના પગલે કદાચ ગુજરાતનો એક ઘણો મોટો પ્રોજેક્ટ ખોરંભે ચડી શકે છે. એ પ્રોજેક્ટ છે સંતનગરીનો.પીએમ નરેન્દ્ર મોદી સીએમ મોદી હતાં ત્યારનો આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. એવો પ્રોજેક્ટ જેમાં સંતજીવનની સૂઝબૂઝ અને વ્યવસ્થાપનની કુશળતા કામે લગાડવાનાં હતાં અને તેમાં મોદીના વિશ્વાસપાત્ર ઠર્યાં હતાં ભૈયુજી મહારાજ. ‘સંતનગરી’ પ્રોજેક્ટ હેઠળ મોદીની વિચારધારા એ હતી કે દુનિયાભરના સંતોનાં વિચાર, કરણી અને કથની એક છત્ર નીચે લાવવામાં આવે જેનાથી નાગરિકો સુમાહિતગાર બની પોતાના સાંસ્કૃતિક વારસાને જાણે અને સમજે. આ સંબંધે આગળ વધતાં 2300થી વધુ સંતોનાં જીવનકવનને એક પ્રદર્શનનાં રૂપમાં તૈયાર કરવાનું ઠરાવાયું. તમામની એક કુટિર હોય જ્યાં તે સંત વિશે ઓડિયોવીડિયો પ્રેઝન્ટેશન હોય. આ સંપૂર્ણ પ્રોજેક્ટની જવાબદારી ભૈયુજી મહારાજને સોંપવામાં આવી હતી.આ માટે સાબરકાંઠા જિલ્લાના વડાલી પાસે 539 એકર જમીનની ફાળવણી પણ કરવામાં આવી છે. જોકે, જમીન સંપાદન અને ફાળવણીમાં સારી એવી મુશ્કેલીઓ આવી હતી. આવડો મોટો વિસ્તાર ધરવાતી જમીન એકસાથે મળવી લગભગ અશક્ય જેવું હતું પણ છેવટે તે પણ મળી ગઇ હતી.

સીએમમાંથી પીએમ બની મોદી દિલ્હી ગયાં પણ આ પ્રોજેક્ટને ભૂલ્યાં નથી. તેમના બાદ મુખ્યપ્રધાન બનેલાં આનંદીબહેન પટેલે જમીન ફાળવણીનું કામ બનતી ત્વરાએ પૂરું કર્યું હતું. જોકે હાલ પણ ગતિથી આ પ્રોજેક્ટમાં કામ થઇ રહ્યું છે તેમ છતાં અનુમાન છે કે તેને પૂરો થતાં હજુ બીજાં પાંચ વર્ષ લાગશે. આ સંજોગોમાં ભૈયુજી મહારાજની અણધારી વિદાયના કારણે કામકાજમાં દિશાવિહીનતાની સ્થિતિ પેદા થઇ ગઇ છે કારણ કે સમગ્ર પ્રોજેક્ટ તેમની નિગરાનીમાં હતો. તેમની આત્મહત્યાથી સર્જાયેલાં શૂન્યાવકાશને ભરનાર સમર્થ કોણ મળે છે તે બાદ નક્કી થઇ શકશે તે હવે આ ‘સંતનગરી’ ક્યારે નિર્મિત થશે. વિધિની વક્રતા છે કે પ્રોજેક્ટ સાકાર થયે એક કુટિર ભૈયુજી માટે પણ હોઇ શકે છે.