મગફળી કાંડઃ સીટિંગ જજના નેતૃત્વમાં તપાસની કોંગ્રેસે કરી ફરી માગણી

ગાંધીનગર– મગફળી કાંડ મામલે કોંગ્રેસે આજે રૂપાણી સરકાર પાસે ઉચ્ચ ન્યાયપાલિકાના સીટીંગ જજના નેતૃત્વમાં તપાસ કરવાની માંગ કરી છે. ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે રાજ્ય સરકારની ખેડૂત વિરોધ નીતિને પગલે જ ખેડૂતને આજે આંદોલન કરવા પડી રહ્યાં છે.ખેત ઉત્પાદનના પોષણક્ષમ ભાવને લઈને સમગ્ર દેશમાં ખેડૂતો છેલ્લા ૧૦ દિવસથી આંદોલન ચલાવી રહ્યા છે, ગુજરાતમાં ભાજપની ખેડૂતવિરોધી નીતિઓના કારણે આજે ખેડૂત પાયમાલી તરફ ધકેલાઈ રહ્યો છે, ખેડૂતોમાં ભારે મોટી નિરાશા છે. ખેડૂત પોતાના અધિકાર માટે વારંવાર માંગણીઓ કરી રહ્યો છે પરંતુ તેને સસ્તી, પૂરતી કે નિયમિત વીજળી મળતી નથી, નર્મદાનું સિંચાઈનું પાણી ખેડૂતના ખેતર સુધી પહોંચાડવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે. ખેડૂતોને ખેતઉપજના પોષણક્ષમ ભાવ નથી મળતા, ખેડૂતોના ખેત ઉત્પાદન પર ૫% કરવેરો નાંખવાનું પાપ આ ભાજપ સરકારે કર્યું છે. ખેડૂતોની જમીન સેટેલાઈટથી માપવામાં હદનિશાન અને ક્ષેત્રફળની વિસંગતતાના કારણે ધરેધર કુટુંબમાં વર્ગવિગ્રહ ફાટે તેવી સ્થિતિનો સામનો સમગ્ર ગુજરાત કરી રહ્યું છે. કરવેરાઓમાં વધારાના કારણે ખેડૂતોના ઉત્પાદન ખર્ચમાં સતત બોજ વધી રહ્યો છે. ખેતઓજારો, ખાતર, બિયારણ, વીજબિલમાં જીએસટી વેરો વસુલીને સરકારે ખેડૂતો પર ભારણ વધાર્યું છે. આવી વિવિધ સમસ્યાઓને લઈને સતત સંધર્ષ કરતો ખેડૂત આજે દેવાના બોજ હેઠળ ડૂબીને આત્મહત્યા કરવા તરફ આગળ વધી રહ્યો છે.

ભાજપ સરકારે ચૂંટણી સમયે રાજકીય રોટલા શેકવા અને ખેડૂત વર્ગને ભોળવવા માટે મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાનું રાજકીય તરકટ કર્યું હતું. ગુજરાતમાં ૩૩ લાખ ટન જેટલી મબલખ મગફળી પાકતી હોવા છતાં અંદાજિત ૭.૫ લાખ ટન મગફળી ચૂંટણી પહેલાંના સમય દરમ્યાન ખરીદી. જેવી ચૂંટણી પૂરી થઈ એટલે મગફળીની ખરીદી બંધ કરવામાં આવી અને જે મગફળી ખરીદવામાં આવી હતી તે પણ વહાલા-દવલાની નીતિ સાથે ખાનગી ધોરણે મણે રૂ. ૫૦નું કમિશન લઈ ભાજપના મળતિયાઓ પાસેથી નબળી ગુણવત્તાની મગફળીની ખરીદી કરી હતી. કોંગ્રેસ પક્ષે વિધાનસભાના ફલોર પર રાજ્યપાલને, મુખ્યપ્રધાનને, કૃષિપ્રધાનને વારંવાર રજૂઆત કરી હતી કે, આ મગફળીકાંડમાં ભારે મોટો ગોટાળો થયો છે. ગુજરાતની પ્રજાની પરસેવાની કમાણીથી ભરાયેલ તિજોરીમાંથી રૂ. ૩,૫૦૦ કરોડનું રોકાણ કરીને અંદાજિત ૭.૫ લાખ ટન મગફળી ખરીદવામાં આવી, તે પૈકી ૫.૫ લાખ ટન મગફળી ગુજકોટ નામની સંસ્થા દ્વારા ખરીદવામાં આવી, આ સંસ્થા પાસે અનુભવી અને પૂરતો સ્ટાફ નહોતો, માલ સંગ્રહ કરવા માટે ગોડાઉન નહોતું કે માલની ખરીદી કરવા માટેનું કોઈ નેટવર્ક નહોતું. ચૂંટણી ટાણે ખેડૂતોને ભોળવવા માટે અને ભાજપના મળતિયાઓને કમાવવા માટે મગફળીકાંડ સર્જવામાં આવ્યું છે.

નબળી ગુણવત્તાની મગફળી ખરીઘા પછી તે મગફળી ભાજપના મળતિયાઓની મિલોમાં પહોંચાડી, પીલાણ કરાવી, સીંગતેલના ડબ્બા બારોબર વેચીને ભાજપે નવી સરકાર બનાવી. ખાનગી માલિકો પાસેથી વચેટીયાઓ દ્વારા ભાડે રખાયેલા ગોડાઉનોની અંદર આવી ખરીદેલી મગફળીનો સ્ટોક રાખવામાં આવ્યો છે. આ મગફળીના સ્ટોકમાં મગફળીની જગ્યાએ માટી, પથ્થર અને ઢેફાના તોડા ભરી કોથળાઓ સરકારી ગોડાઉનોમાં રાખ્યા હતા તે ગોડાઉનોની સલામતીમાં સરકારે ભારે નિષ્ક્રિયતા દાખવી છે.

આ ગોડાઉનોમાં સીસીટીવી ન રાખવામાં આવ્યા, પોલીસ પહેરો ન રાખવામાં આવ્યો, આવી નિષ્ફળતાઓ અને ભ્રષ્ટાચારને ઢાંકવા માટે સરકારની મીઠી નજર તળે પહેલાં ગાંધીધામનું ગોડાઉન, ત્યારબાદ ગોંડલ, હાપા, રાજકોટનું ગોડાઉન સળગ્યું અને છેલ્લે શાપરના ગોડાઉનમાં પણ ઈરાદાપૂર્વક આગ લગાડવામાં આવી. સમગ્ર ગુજરાતના ખેડૂતોએ જ્યારે આના માટે અવાજ ઉઠાવ્યો ત્યારે સમગ્ર ધટનાની તપાસ સીઆઈડીને સોંપી હતી, તેમાં પણ આગના સમાન કારણો બતાવ્યા, જે સામાન્ય માણસના મનમાં શંકાની સોય ઉભી કરે છે. સરકાર આ નિષ્ફળતાઓ અને ભ્રષ્ટાચારને છૂપાવવા માટે હવે મગફળી ઉતાવળે બજારમાં વેચી દેવા માટે પ્રયાસ કરી રહી છે.