‘યોગ દિવસ’ના આયોજન માટે રચાઈ સમિતિ, ચૂડાસમા કરશે અધ્યક્ષતા

ગાંધીનગરઃ યોગ ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. ઋષિમુનિઓના કાળથી ભારતીય સંસ્કૃતિમાં યોગને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ભારતીય સંસ્કૃતિની ઉત્તમ દેન એવી યોગ વિદ્યાને વૈશ્વિક વિરાસતમાં સામેલ કરવામાં આવી છે. પ્રતિવર્ષ ૨૧ મી જૂનના રોજ વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા જાહેર કરાયું છે.

ગુજરાત સહિત સમગ્ર દેશમાં વર્ષ ૨૦૧૫, ૨૦૧૬ અને ૨૦૧૭ અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યમાં ૨૧મી જૂન ચોથા આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી થાય અને તેમાં સૌ નાગરિકો જોડાય તેના સુચારૂ આયોજન માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્ય કક્ષાની તેમજ જિલ્લા- તાલુકા સ્તરની સંકલન સમિતિઓની રચના કરવામાં આવી છે.

રાજ્ય કક્ષાની સમિતિમાં અધ્યક્ષ તરીકે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, સભ્ય તરીકે ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા તેમજ રમતગમત રાજ્ય પ્રધાન ઇશ્વરસિંહ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જિલ્લા કક્ષાની સંકલન સમિતિમાં અધ્યક્ષ તરીકે જિલ્લા પ્રભારી તરીકે સબંધિત વિસ્તારના સંસદસભ્યો અને ધારાસભ્યો તેમજ સહઅધ્યક્ષ તરીકે જિલ્લા કલેકટર અને મ્યુનિસિપલ કમિશનર રહેશે. તાલુકા કક્ષાએ સંકલન સમિતિમાં અધ્યક્ષ તરીકે એ.ટી.વી.ટી. પ્રાંત અધિકારી તથા સહઅધ્યક્ષ તરીકે તાલુકા વિકાસ અધિકારી રહેશે.

આ ઉપરાંત રાજ્ય કક્ષાની સમિતિમાં સભ્ય તરીકે મુખ્ય સચિવ તેમજ સભ્ય સચિવ તરીકે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના કમિશનર રહેશે. જિલ્લા સંકલન સમિતિમાં સભ્ય સચિવ તરીકે નિવાસી અધિક કલેકટર તેમજ તાલુકા સંકલન સમિતિમાં તાલુકા મામલતદાર રહેશે.