કેરળમાં આવેલા ભયાનક પુરમાં વડોદરાના બે વિદ્યાર્થીઓ ફસાયા

વડોદરાઃ કેરળમાં આવેલા ભારે પુરથી અત્યંત વિકટ પરિસ્થિતી સર્જાઈ છે. અનેક જગ્યાએ લોકો પાણીમાં ફસાયા છે અને અત્યારે કેરળમાં ખૂબ જ કફોડી હાલત છે. ત્યારે પ્રાપ્ત થતી વિગતો અનુસાર વડોદરાના બે વિદ્યાર્થીઓ પણ કેરળના કોચીના અલુવામાં ફસાયા છે. બંન્ને વિદ્યાર્થીઓ અહિંયા છેલ્લા પાંચ દિવસથી ફસાયેલા છે. તો આ સીવાય ગુજરાતના અન્ય વિદ્યાર્થીઓ પણ અહીંયા ફસાયા હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર ઘટનાને પગલે હાલ આ વિદ્યાર્થીઓના પરિજનો ચિંતામાં મુકાયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કેરળમાં ફસાયેલા વડોદરાના બે વિદ્યાર્થીઓએ અલુવામાં એક ફ્લેટમાં આશરો લીધો છે. બંન્ને વિદ્યાર્થીઓએ છેલ્લે શુક્રવારે પરિવાર સાથે વાત કરી હતી અને ત્યારબાદ તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી. પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ વિદ્યાર્થીઓ એવી જગ્યાએ ફસાયા છે કે જ્યાં જમવાની કે પાણીની પણ કોઈ જ સુવીધા નથી. આ બે વિદ્યાર્થીઓ સાથે આ ફ્લેટમાં 10 જેટલા લોકો હાજર છે. વડોદરાના આ બે વિદ્યાર્થીઓ પૈકી એકનુ નામ ભૂમિક રાજ, અને બીજાનું નામ પરીક્ષિત પંડ્યા છે. આ બંન્ને વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માટે કોચી ગયા હતા.

મહત્વનું છે કે કોત્તાપુરમના અલુવા શહેરના અમુક વિસ્તારોમાં 15 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે અને સ્થિતી અત્યંત ખરાબ છે. અહીંયા એટલી વિકટ સ્થિતી છે કે રાહત અને બચાવ કામગીરી કરી રહેલા લોકો અહીંયા સુધી પહોંચી શક્યા નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]