કેરળ જળપ્રલય: 3 લાખથી વધુ લોકો બેઘર, 20 હજાર કરોડનું નુકસાન

તિરુવનંતપુરમ- વરસાદે કેરળમાં છેલ્લા 100 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ભયાનક પૂરમાં અત્યાર સુધીમાં 324થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. હજી પણ મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે. રાજ્યમાં પડી રહેલા સતત વરસાદને કારણે નદીઓમાં જળસ્તર વધી રહ્યાં છે. અને શહેરો તેમજ ગામડાઓમાં અને ખેતરોમાં નદીનાં પાણી ફરીવળ્યાં છે. મળતી માહિતી મુજબ રાજ્યમાં ત્રણ લાખથી વધુ લોકો બેઘર થયા છે. અને રાહત શિવિરોમાં આશરો લેવા મજબૂર થયા છે.રાજ્યનાં મોટાભાગના વિસ્તારોમાં વીજળીનાં થાંભલા પડી જવાથી વીજ પુરવઠો પ્રભાવિત થયો છે. અનેક ગામડાઓ અને શહેરોમાં હજી પણ અંધારપટ છવાયો છે. પૂરનાં પાણી ફરી વળતા તેમજ રસ્તા તૂટી જતાં રાજ્યના અનેક વિસ્તારો સંપર્ક વિહોણા થઈ ગયા છે. કોચી એરપોર્ટ 26 ઓગસ્ટ સુધી બંધ કરાયું છે.

આર્મી, કોસ્ટગાર્ડ અને NDRFની ટીમ દ્વારા અત્યાર સુધીમાં 6 હજારથી વધુ લોકોને બચાવીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. નેવી, આર્મી, કોસ્ટગાર્ડ અને NDRFની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. NDRFની બીજી 14 ટુકડીઓ પણ કેરળ પહોંચી રહી છે. પાણીમાં ફસાયેલા અનેક લોકોને એરલિફ્ટ કરીને બચાવવામાં આવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠક બાદ કેરળના મુખ્યપ્રધાન પી. વિજયને કહ્યું કે, રાજ્યના પૂરગ્રસ્ત વિસ્તારોની પ્રારંભિક સમીક્ષા બાદ મળતી માહિતી મુજબ કેરળમાં 20 હજાર કરોડ રુપિયાનું નુકસાન થયાનો અંદાજ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]