ભાવનગર– રાજકોટ ભાવનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માત થયો છે. પાલીતાણાના અનીડા ગામથી જાન ટ્રકમાં નીકળી હતી, અને આ જાન બોટાદના ટાટમ ગામે જતી હતી. ભાવનગરના રંધોળા ગામ પાસે ટ્રક નદીના નાળામાં ખાબકી હતી. આ અકસ્માતમાં 30 લોકોના મોત થયા છે. મોતનો આંકડો વધવાની આશંકા સેવાઈ રહી છે. અને કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે, તેમને ભાવનગરની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા છે.
મુખ્યપ્રધાને આ ઘટનાની વિગતો લઇ તમામ સહાયતા ત્વરિત પહોંચે તે માટેના આદેશો આપી દીધાં છે. તેમ જ મૃતકોના પરિવારને સીએમ રાહતફંડમાંથી મૃતકોના પરિવારને ચાર-ચાર લાખ રુપિયા સહાયરાશિ જાહેર કરી દીધી છે.
મુખ્યપ્રધાન ઓફિસે અકસ્માતની નોંધ લીધી છે, અને સીએમ વિજય રુપાણીએ ઈજાગ્રસ્તોને સઘન સારવાર મળી રહે તે માટે તંત્રને સૂચના આપી છે. તેમ જ મુખ્યપ્રધાને ઘટનાની તપાસ કરવાનો આદેશ પણ આપ્યો છે. રાહત અને બચાવ કામગીરીમાં કોઈ કચાશ ન રહે તે માટે સૂચના અપાઈ છે.આજે મંગળવારે સવારે સવારે 7.30 વાગ્યાની આસપાસ ટ્રકમાં જાન બોટાદ તરફ જઈ રહી હતી. ટ્રકમાં 60 લોકો સવાર હોવાનું કહેવાઈ રહ્યું છે, અને આ જાન કોળીસમાજની હતી. ભાવનગર પાસેના રંધોળા ગામે જાનની ટ્રકના ડ્રાઈવરે કોણ જાણે સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવ્યો હતો, અને એમ પણ કહેવાઈ રહ્યું છે કે કારને બચાવવા જતાં ટ્રક નદીના નાળામાં ખાબકી હતી. જેમાં 30 લોકોના મોત થયાં છે, અને 25થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાં છે. વધુમાં જાણવા મળ્યા મુજબ વરરાજાના માતાપિતા પણ આ ટ્રકમાં હતા, તેમનું મોત થયું હોવાના સમાચાર છે. વરરાજાના મોટાભાઈના પરિવારજનોનું આ અકસ્માતમાં મોત થયું છે, પણ વરરાજાના મોટાભાઈ અને ભાભીનો આબાદ બચાવ થયો છે. ભાવનગર અને બોટાદ જિલ્લાની 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, તેમની સાથે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટના સ્થળે હ્રદયકંપી ઉઠે તેવા દ્રશ્યો સર્જાયા હતા. બોટાદના ટાટમ ગામે જાનની રાહ જોવાઈ રહી હતી. ઢોલ અને શરણાઈના સૂર વચ્ચે જાનનું સ્વાગત થવાનું હતું, આ ટાટમ ગામે અકસ્માતના સમાચાર પહોંચી વળતાં પુરા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. કન્યાના માંડવે ટાટમ ગામના લાકો અને આજુબાજુના ગામના લોકો પણ ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે. સહુના મુખ પર શોક છવાઈ ગયો છે, શું બોલવું તેની ખબર નથી અને હવે શું કરવું તેની સૂઝ નથી પડતી. ખુબ જ સાદાઈથી લગ્નવિધિ કરાઈ હતી.મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ ભાવનગર ના રંઘોળા માર્ગ અકસ્માત માં જાન ગુમાવનારા પ્રત્યેક નિર્દોષ વ્યક્તિઓ ના વારસદારો ને 4 લાખ ની સહાય ખાસ કિસ્સામાં મુખ્યમંત્રી રાહત નિધિ માંથી આપવાની જાહેરાત કરી છે..આ અકસ્માત માં ઇજાગ્રસ્તો ને તાત્કાલિક સારવાર મળે તે માટે તેમણે જિલ્લાના આરોગ્ય અને વહીવટી તંત્ર ને સૂચનાઓ આપી છે.મૃતકો ના મૃતદેહ પરિવાર જનો ને ત્વરાએ સોંપવામાં આવે તથા ઘટના ની તપાસ માટે પણ મુખ્યમંત્રી એ આદેશો આપ્યા છે.