નવી દિલ્હી- ઈનકમ ટેક્સ વિભાગે રુપિયા 3200 કરોડના TDS કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. IT વિભાગે 447 કંપનીઓની વિગત મેળવી છે જેમણે પોતાના કર્મચારીઓ પાસેથી ટેક્સ વસુલ કર્યો પરંતુ તેને સરકાર પાસે જમા નથી કરાવ્યો. અને આવી કંપનીઓએ પોતાના કર્મચારીઓના કપાયેલા TDSની રકમનું પોતાના બિઝનેસમાં જ રોકાણ કરી દીધું.મળતી માહિતી મુજબ ઈનકમ ટેક્સ વિભાગની TDS શાખાએ આવી કંપનીઓ સામે તપાસ શરુ કરી દીધી છે. અને કેટલીક કિસ્સાઓમાં વોરંટ પણ ઈશ્યૂ કર્યાં છે. ઇનકમ ટેક્સ એક્ટ અંતર્ગત આવા કેસમાં 7 વર્ષ સુધીની સજા અને રોકડ દંડની પણ કરવામાં આવી શકે છે. આરોપી કંપનીઓ અને માલિકો સામે IT એક્ટ સેક્શન 276-બી અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ કેસના અન્ય આરોપીઓમાં પ્રોડક્શન હાઉસથી લઈને ઇન્ફ્રા કંપનીઓના માલિકો પણ સંકળાયેલાં હોવાનું જાણવા મળ્યું છે. ઈનકમ ટેક્સ વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, તાજેતરમાં કરવામાં આવેલા વેરિફિકેશન સર્વેમાં આ પ્રકારના 447 કેસ સામે આવ્યાં છે. જેમાં કંપનીઓએ તેમના કર્મચારીઓના રુપિયા 3200 કરોડ TDS પેટે કાપ્યા, પરંતુ તેને સરકારના ખાતામાં જમા કરાવ્યા નથી. આ આંકડા એપ્રિલ 2017થી માર્ચ 2018 સુધીના છે.