ટ્રેનની અડફેટે અજબપણે ચડી ગયો પરિવાર, ત્રણ યુવાનના મોત…

સૂરતઃ સૂરતમાં એક અરેરાટીભરી ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ઉધના અને સૂરત રેલવે સ્ટેશન વચ્ચે કર્ણાવતી એક્સપ્રેસની અડફેટે ત્રણ લોકો આવી જતાં ચકચાર મચી ગઈ છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું છે. તો અન્ય બે લોકોનું મોત સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. રાજસ્થાનનાં એક જ પરિવારનાં 6 યુવકો ઉધના સ્ટેશન પર ઉતરીને કોયલી ખાડીનાં ટ્રેક પર ચાલતાં ચાલતાં સૂરત તરફ જઇ રહ્યાં હતાં. ત્યારે અચાનક ટ્રેન આવી જતાં આ ગોઝારો અકસ્માત થયો છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે રાજસ્થાનનાં એક પરિવારના 6 યુવક રાજસ્થાનથી અજમેર પુરી એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને વલસાડ જવા નીકળ્યાં હતાં. આ લોકો ભૂલથી અન્ય ટ્રેનમાં બેસી ગયા હતાં. પરંતુ ટ્રેનમાં મુસાફરોએ તેમને સમજાવ્યું કે, આ ટ્રેન સુપર ફાસ્ટ છે અને વલસાડ ઉભી નહીં રહે. તેથી યુવાનો સૂરત-ઉધના રેલવે સ્ટેશન વચ્ચે ધીમી ચાલી રહેલી ટ્રેનમાંથી રેલવે ટ્રેક પર કૂદી ગયાં હતાં.

રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે 6 પૈકી 3 યુવાનો ટ્રેનની અડફેટે આવ્યાં હતા. જેમાં 18 વર્ષના કુલદીપ ફુલસિંગનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે 19 વર્ષના પ્રવીણ ધીરસિંગનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જ્યારે 18 વર્ષના પ્રવીણ નારાયણસિંગની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી તેનું પણ બાદમાં મોત નીપજ્યું છે.

મહત્વનું છે કે વર્ષ 2009માં આજ જગ્યાએ 16 લોકો ટ્રેનની નીચે કપાયા હતાં. ઉધનાથી સૂરત જતી વખતે કોયલી ખાડી આવેલી છે. જો એ તમે પાર કરતા હોવ અને વચ્ચે એક્સપ્રેસ ટ્રેન આવી જાય તો તમારાથી કંઇ થઈ શકતું નથી. તમારે ખાડીમાં કુદવું પડે કે પછી તમે ટ્રેનની નીચે આવી જાવ. આ ખાડી એકદમ નાની છે અને આસપાસ જગ્યા નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]