હવે સવાર, બપોર અને સાંજ માટે અલગઅલગ ભરવું પડશે વીજળીનું બિલ!

નવી દિલ્હી- કેન્દ્રમાં રહેલી મોદી સરકારે ઘેરઘેર વીજળી પહોંચાડવા માટે મેગા પ્લાન તૈયાર કરી લીધો છે. સરકારનું લક્ષ્ય દરેક ઘરે 24 કલાક વીજળી પૂરી પાડવાનું છે. જેને લઈને ટૂંકસમયમાં જ ઉદય યોજના પાર્ટ-2 લોન્ચ કરવામાં આવી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર ઊર્જા પ્રધાન આર.કે. સિંહે કહ્યું છે કે, NTPC-Powergrid  ખોટમાં ચાલી રહેલી ડિસ્કોમને ટેકઓવર કરી શકે છે.

તેમણે કહ્યું કે, ગેરજવાબદાર વીજળી વિતરણ કંપનીઓ વિરુદ્ધ સરકાર કડક વલણ અપનાવી રહી છે. જરૂરિયાત મુજબનો વીજ સપ્લાય નહીં કરવા પર વીજ વિતરણ કંપનીઓના લાઈસન્સ પણ રદ થઈ શકે છે. એટલું જ નહીં જો નક્કી કરેલા સમય પર ટ્રાન્સફોર્મર ન લગાવવામાં આવે અને લોકોને વીજળીનું કનેક્શન નહીં મળે તો તેવી સ્થિતિમાં ડિસ્કોમને પેનલ્ટી ચૂકવવી પડશે.

આર.કે. સિંહે વીજ બિલમાં મોટા ફેરફારનો સંકેત આપ્યો છે. હવે વીજળીના વપરાશને લઈને દિવસમાં ત્રણ પ્રકારના પાવર ટેરિફ લાગુ પડી શકે છે. ગ્રાહકોને સવાર, બપોર, અને સાંજ માટે અલગ અલગ ટેરિફ મુજબ વીજળી બિલ ભરવું પડી શકે છે. નવી ટેરિફ પોલિસીમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, ઉદય યોજના-2 હેઠળ ટાર્ગેટ પૂર્ણ કરનાર રાજ્યોને જ કેન્દ્ર સરકાર તરફથી આર્થિક મદદ મળશે. રાજ્યો જેટલો ટાર્ગેટ પૂર્ણ કરશે તેમને એટલાં જ નાણાં મળશે.

 

હકીકતમાં મોદી સરકારના બીજા કાર્યકાળમાં વીજળી અને પાણી પર વધુ ફોક્સ કરવામાં આવી રહ્યું છે. સરકારે સૌથી પહેલાં વીજળીની ચોરી પર અંકુશ મુકવા માટે એક રોડમેપ તૈયાર કર્યો છે. મળતી માહિતી અનુસાર સરકાર વીજળી ડિસ્ટ્રીબ્યૂશન કંપનીઓની સ્થિતિ સુધારવા માટે વીજ ચોરી રોકવા મુદ્દે એક્શન મોડમાં છે. મોદી સરકારના ત્રિસ્તરીય પ્લાનમાં ઈમાનદાર વીજળી ગ્રાહકોને 24 કલાક વીજળી પૂરી પાડવામાં આવશે. ડાયરેક્ટ કનેક્શન પર અંકુશ લાદવા માટે વીજળીના કેબલને અંડર ગ્રાઉન્ડ કરવાનો પ્લાન છે.

સરકાર સ્માર્ટ મીટર લગાવવાની યોજનામાં ઝડપ લાવવા અંગે વિચારી રહી છે. કેટલાક રાજ્યોમાં સ્માર્ટ મીટર લગાવવાનું કામ મંદ ગતિએ ચાલી રહ્યું છે. આવા રાજ્યો સાથે કેન્દ્ર સરકાર ચર્ચા કરશે. સૌથી ખાસ વાત એ છે કે, સ્માર્ટ મીટર લગાવાનો જે ખર્ચ આવશે તે સરકાર ભોગવશે. એટલે કે, ગ્રાહકો પાસેથી સ્માર્ટ મીટરનો કોઈ ચાર્જ વસૂલવામાં નહીં આવે.

આ ઉપરાંત જે વિસ્તારોમાં સૌથી વધુ વીજ ચોરી થાય છે, એવા વિસ્તારોનો ડેટા તૈયાર કરીને રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને સોંપશે. ટૂંકમાં વીજ કંપનીઓની કથળેલી સ્થિતિને સુધારવા પર સરકારનું ફોક્સ છે.