આ સમાચાર જરા ખળભળાવી દે એવા છે. આખા દેશમાં જનતા કર્ફ્યુના દિવસે દરેક પરિસ્થિતિમાં આપણી સેવામાં ખડેપગે રહેતા દરેકને આભાર માનવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આહવાન કર્યું હતું કે પાંચ મિનિટ માટે તાળી પાડી, થાળી વગાડીને અભિવાદન કરજો. નવસારીના આશાબાગ વિસ્તારમાં આવેલા કસ્તુરી ઍપાર્ટમેન્ટના લોકોએ પણ આખા દેશમાં કર્યું એવું જ કર્યું. પણ જે બન્યું એ દેશમાં ક્યાંય ન થયું એવું થયું.
વાત એમ બની કે નવસારીના કસ્તુરી એપાર્ટમેન્ટમાં પણ 22 માર્ચનો દિવસ સામાન્ય જ હતો બધા ઘરમાં જ હતા. સાંજે પાંચ વાગ્યે એક સાથે બધા ગેલેરી – ટૅરેસ ઉપર આવી ગયા. કોઈએ થાળી વગાડી, કોઈ એ તાળી પાડી, કેટલાક એ ઘંટનાદ કર્યો અને કસ્તુરી એપાર્ટમેન્ટમાં ફટાકડા પણ ફોડાયાં. આ બધું કરનાર એ ભૂલી ગયેલા કે એમના એપાર્ટમેન્ટમાં એક મસમોટો મધપૂડો જામ્યો છે.
સાંજે પાંચ વાગ્યે જેવો આ બધો અવાજ શરૂ થયો એટલે મધમાખીઓ છંછેડાઈ અને એમણે એપાર્ટમેન્ટના લોકો ઉપર હુમલો કરી દીધો. લોકોમાં નાસભાગ મચી ગઈ, ઘણાને મધમાખીએ ડંસ દીધા. એ પૈકી ચાર જણને ગંભીર ઇજા થઇ. ચોથા મળે રહેતા એક પરિણિત મહિલા મધમાખીના આ ડંસથી બેભાન થઇ ગયા. ચારેય જણને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, એ પૈકી 35 વર્ષના એક મહિલાને મૃત જાહેર કરાયા.
મધમાખીના ડંખથી મૃત્યુ થયું કે બીજા કોઈ કારણથી એ જાણવા માટે નવસારીની સિવિલ હોસ્પિટલમાં આ મહિલાનું પેનલ પોસ્ટમોર્ટમ થયું છે, જેનો રિપોર્ટ આવવો બાકી છે. સરકારના દરેક અધિકારીએ આ બનાવ અંગે ચુપકીદી સેવી લીધી છે. પોલીસે અકસ્માત મોતની નોંધ કરીને કાર્યવાહી શરુ કરી છે. એક માસૂમ દીકરાએ માતાને અને પતિએ પત્ની ગુમાવી એ પણ થાળી – તાળીના ઉન્માદમાં એ સત્ય છે પણ એને હજી સરકારી અધિકૃતતા બાકી છે. ઇજાગ્રસ્તો પૈકી એકના શરીરમાંથી 35 તો એકના શરીરમાંથી મધમાખીના પગ (ડંખ) તબીબોએ કાઢ્યા હતા.
નવસારીનો આ કિસ્સો ચર્ચામાં છે, લોકો વાત કરી રહ્યા છે સોસાયટીના લોકોએ જ બધી માહિતી સ્થાનિક મીડિયાને આપી છે પણ આ બનાવને હજી સરકારી સર્ટિફિકેટ મળ્યું નથી.
- ફયસલ બકિલી