CM દ્વારા કચરાના મોનિટરિંગ માટેની ટ્રેકિંગ સિસ્ટમ લોન્ચ કરાઈ

ગાંધીનગર: હવે પર્યાવરણ માટે જોખમી કચરાનું પરિવહન કરવા માટે ઉદ્યોગો દ્વારા નિકાલ સુધીનો રૂટ અગાઉથી જ નક્કી કરવાનો રહેશે અને જો વાહન રૂટ બદલશે અથવા બીજી જ્ગ્યાએ જશે તો સિસ્ટમમાંથી એલર્ટ મળશે અને તેનાથી ગેરકાયદે નિકાલ કરનારા એકમો સામે તાત્કાલિક કાર્યવાહી કરી શકાશે. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાંચ જૂન-પર્યાવરણ દિવસે વેહિકલ લોકેશન ટ્રેકિંગ સિસ્ટમ લોન્ચ કરવામાં આવી હતી.

ઔદ્યોગિક એકમોના જોખમી કચરાને કારણે પર્યાવરણને નુકસાન ન થાય એ માટે અત્યાર સુધી ઔદ્યોગિક એકમો દ્વારા મેનિફેસ્ટ જનરેટ કરવામાં આવી રહી હતી અને તેના થકી જ જોખમી કચરાનો નિકાલ કરવામાં આવતો હતો, પરંતુ હવે તે મેનિફેસ્ટ સિસ્ટમને VLTS સિસ્ટમ સાથે સાંકળીને જોખમી કચરાનું પરિવહન કરતાં વાહનોને ટ્રેક કરવામાં આવશે. જેના માટે ઔદ્યોગિક એકમોના ટેન્કર-ટ્રકમાં GPS સિસ્ટમ ફરજિયાત કરવામાં આવી છે. અત્યારે 700 ટ્રક પર આ AIS 140 Compliant GPS સિસ્ટમ લગાવવામાં આવી છે. તેમાથી શરુઆતના તબક્કે 377 ટ્રકનું રિયલ ટાઇમ મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં તમામ વાહનોનું ટ્રેકિંગ VLTS સિસ્ટમ દ્વારા કરવામાં આવશે. અત્યારે દૈનિક 600 ટ્રક જોખમી કચરાનો નિકાલ કરે છે.

શું છે VLTS સિસ્ટમ?

GPCB દ્વારા NIC ગાંધીનગર અને ઉત્તરાખંડની મદદથી Vehicle Location Tracking System (VLTS)નું મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યું છે. જેનું હાલની Online Manifest System સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે. VLTS અંર્તગત બોર્ડ દ્વારા જોખમી કચરાનું પરિવહન કરતા ઉદ્યોગોને તમામ વાહનોમાં AIS 140 ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS) લગાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.

આ સિસ્ટમ અંર્તગત બોર્ડ દ્વારા કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેમાં જોખમી કચરાનું પરિવહન કરતાં વાહનોનું ઉત્પાદનથી છેવટના નિકાલ કરતી ફેસિલિટી સુધી ટ્રેકિંગ કરવામાં આવશે. VLTS સિસ્ટમથી જોખમી કચરાનો નિકાલ કરનાર ઔદ્યોગિક એકમોથી છેવટના નિકાલ કે પુન: વપરાશ કરતી ફેસિલિટી સુધીનું ટ્રેકિંગ કરી શકાશે, જેનાથી જોખમી કચરાનું વ્યવસ્થાપન વધુ સુદ્રઢ અને સક્ષમ બનશે.

VLTSના અમલીકરણ માટે દરેક પ્રદેશમાં જાગૃતિ કાર્યક્રમ પણ હાથ ધરવામાં આવ્યા હતા. રાજ્યમાં અત્યારે 21,341 ઉદ્યોગોમાં જોખમી કચરો ઉત્પન્ન થાય છે જેમાંથી અલગ-અલગ કેટેગરી પ્રમાણે તેને વિભાજિત કરીને તેનો નાશ કરવામાં આવે છે. નવી પ્રણાલીના ઉપયોગ અંગે ઉદ્યોગોને યોગ્ય તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યાં છે.