ટાયર ફાડતા બંપ રાતોરાત ગાયબ

અમદાવાદઃ શહેરના પશ્ચિમ વિસ્તારમાં રન્નાપાર્કથી શાસ્ત્રીનગર તરફ જતા માર્ગ પર તેમ જ  ચાણક્યપુરી તરફ જતા ઓવરબ્રિજની નીચે આવેલી મહાનગરપાલિકાની ઓફિસ પહેલાં ઇજનેરોએ નવતર પ્રયોગ કરી પ્લાસ્ટિક રબરના બમ્પ સાથે ટાયર ફાડી નાખે એવા બમ્પ લગાડ્યા. જેથી રોંગ સાઇડમાં વાહનો અવરજવર ના કરે અને ટ્રાફિક નિયમન વ્યવસ્થિત થાય.

રન્નાપાર્કથી શાસ્ત્રીનગર તરફ અસંખ્ય વાહનો પેટ્રોલ પંપ, બજાર,  હાઉસિંગ કોલોની હોવાને કારણે રોંગ સાઇડ પર પૂરપાટ વાહનો દોડે છે. રોંગ સાઇડ તરફ જતાં વાહનોને અટકાવવા ખીલાવાળા બંપનો પ્રયોગ મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવ્યો. શાસ્ત્રીનગર રન્નાપાર્ક પાસે આ ધારદાર બંપ નાખે હજુ તો થોડા મહિના પણ થયા નથી. ત્યાં પહેલા ટૂ વ્હીલર જાય એટલો ભાગ તોડી નાખવામાં આવ્યો.

ત્યાર બાદ થોડા દિવસ પછી રાતોરાત આખોય બંપ ગાયબ થઈ ગયો. લાખો રૂપિયા ખર્ચ કરી મહાનગરપાલિકા માર્ગોનું મૂલ્યાંકન કરે છે. સિગ્નલ અને સાઇન બોર્ડ મૂકે છે. રોડની જરૂરિયાત મુજબ સ્પીડ બ્રેકર, ધારદાર બંપ તૈયાર કરે છે. જેથી અકસ્માત ઘટે. ટ્રાફિકનું યોગ્ય રીતે નિયમન થાય, પરંતુ કેટલા વિસ્તારમાં સ્થાનિક લોકો સિસ્ટમ તોડી નાખે છે. જ્યારે કેટલાક વિસ્તારમાં મહાનગરપાલિકા, પોલીસ વિભાગ સિસ્ટમને સમજાવવામાં સાચવવામાં નિષ્ફળ જાય છે. અમદાવાદમાં અણઘડ વહીવટને કારણે અસંખ્ય માર્ગો તૂટી રહ્યા છે, રોંગ સાઇડ ડ્રાઇવિંગને કારણે અકસ્માતો વધી રહ્યા છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)