11 વર્ષીય સગીર સહિત હાર્ટ અટેકથી ત્રણનાં મોત

રાજકોટઃ શિયાળામાં હાર્ટ એટેકના કેસમાં સામાન્ય રીતે વધારો થાય છે. એટલા માટે સાવચેત રહેવું જરૂરી છે. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે હૃદય કોઈને અચાનક છેતરતું નથી, પણ અટેક આવવા માટે ઘણાં બધાં કારણો જવાબદાર હોય છે.

રાજકોટમાં હાર્ટ અટેકને કારણે 11 વર્ષીય સગીરનું મોત થયું હતું. તે ઘર નજીક રમી રહ્યો હતો ત્યારે અચાનક હાર્ટ અટેક આવ્યો હતો,  જેને કારણે તે ઢળી પડ્યો હતો. દેવરાજ કારેલિયાન નામના સગીરને સારવાર મળે તે અગાઉ જ તેનું મોત થયું હતું.

હાર્ટ અટેકથી યુવકનું મોત

અમરેલીના રાજુલામાં 24 વર્ષીય યુવાન લગ્ન પ્રસંગમાં ગરબા રમતાં રમતાં ઢળી પડ્યો અને તેનું હાર્ટ અટેકથી મોત થયું હતું.  રાજુલામાં એક લગ્નપ્રસંગમાં મહેમાનો ગરબા રમી રહ્યા હતા. એ દરમિયાન યુવાન અચાનક ઢળી પડ્યો હતો, જેનું હાર્ટ અટેકથી મોત થયું હતું. મૃતક યુવાનનું નામ પાવન પટેલ છે અને અમદાવાદમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો હતો. અચાનક લગ્ન પ્રસંગમાં યુવાનનું મોત નીપજતાં પ્રસંગમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

 ક્રિકેટરનું મોત

ઈમરાન લકી ટીમનો કેપ્ટન હતો અને ઓપનર તરીકે બેટિંગ કરવા આવ્યો હતો, પરંતુ પીચ પર થોડો સમય વિતાવ્યા બાદ તેને છાતી અને હાથમાં સખત દુઃખાવો થયો હતો. તે અડધી પિચ પર આવ્યો અને પગ પર હાથ રાખીને ઊભો રહ્યો. ત્યાર બાદ તેણે વિપક્ષી ટીમના ખેલાડીઓ, એમ્પાયરોને આની જાણ કરી. આ પછી એમ્પાયરોએ તેને મેદાન છોડવાની મંજૂરી આપી હતી. જોકે ઈમરાન મેદાન પર બેભાન થઇને ઢળી પડ્યો હતો અને થોડા સમય બાદ તેનું મોત થઈ ગયું હતું. આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.