આત્મનિર્ભર-ભારત’ના બેઝ સાથેનું આ વિકાસલક્ષી બજેટઃ રૂપાણી

ગાંધીનગરઃ રાજ્યના મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ કેન્દ્ર સરકારના નાણાપ્રધાને રજૂ કરેલા કેન્દ્રીય બજેટને આવકાર્યું છે. તેમણે બજેટ અંગેની પ્રતિક્રિયા આપતાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે કોરોનાના રોગચાળામાં વિશ્વના અનેક દેશો આર્થિક મુશ્કેલીનો પણ સામનો કરી રહ્યા છે, ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કુશળ નેતૃત્વ, દીર્ઘદ્રષ્ટિપૂર્ણ આયોજનમાં ભારતે કોરોના કાળમાં પણ વિકાસ જારી રાખ્યો છે.

આ બજેટ આરોગ્ય, ઇન્ફ્રાસ્ટ્રકચર, સર્વગ્રાહી વિકાસ, ઇનોવેશન અને આર. એન્ડ ડી, મિનિમમ ગવર્નમેન્ટ મેક્સિમમ ગર્વનન્સના ધ્યેય સાથે વિકાસલક્ષી બજેટ છે. ખેડૂત, યુવારોજગારી, મહિલા વિકાસ અને MSME નાના-મધ્યમ કદના ઊદ્યોગો માટે આ બજેટમાં વિશેષ ચિંતા કરવામાં આવી છે,એમ તેમણે કહ્યું હતું.

આરોગ્ય યોજનાઓ માટે રૂ. ૬પ હજાર કરોડની ફાળવણી સાથે ગ્રામીણ-શહેરી વિસ્તારોમાં સ્વાસ્થ્ય કેન્દ્રોના મજબૂતીકરણ અને દેશભરમાં ચાર નવી નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાઇરોલોજી કાર્યરત કરવાની મહત્વપૂર્ણ જાહેરાત પણ મહત્વની છે.

આ બજેટથી બજેટ-૨૦૨૧થી ગુજરાતના ગિફ્ટ સિટીને ખૂબ લાભ થવાનો છે. BSE-NSEમાં રોકાણકર્તાઓને તેમના વિદેશી મૂડીરોકાણ પરના ટેક્સમાં રાહત આપવામાં આવી છે.  એરક્રાફ્ટ લીઝિંગ કંપનીઓને પણ કેપિટલ ગેઇનમાં લાભ મળશે. નવી નવી એરક્રાફ્ટ લિઝીગ કંપનીઓ ગુજરાતમાં આવશે. ખાસ કરીને ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર ગિફ્ટ સિટીમાં બેન્કિંગ યુનિટમાં રોકાણ કરશે તેમને કેપિટલ ગેઇન ટેક્સમાં જે છૂટ આપવામાં આવી છે તેનાથી પણ ગિફ્ટ સિટીને વધુ વેગ મળશે.

દેશમાં વધુ એક કરોડ લોકોને ઉજ્જ્વલા યોજનાનો લાભ આપવાનો નિર્ણય તથા ૭ નવા ટેક્સટાઇલ મેગા ઇન્વેસ્ટમેન્ટ પાર્ક અને એમ.એસ.એમ.ઇ ક્ષેત્ર માટેની રૂ. ૧૫૦૦૦ હજાર કરોડની નાણાકીય જોગવાઈ ગુજરાતને પણ લાભદાયી નીવડશે તેવો મત વ્યક્ત કર્યો હતો. ગુજરાતના દરિયાકિનારાને ધ્યાનમાં રાખીને પણ આ બજેટમાં વિશેષ જોગવાઈ કરવામાં આવી છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે પણ આવનારા સમયમાં ગુજરાતને લાભ થશે, એમ તેમણે કહ્યું હતું.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]