સીતારામનના બજેટને પગલે બજારમાં આગઝરતી તેજી

અમદાવાદઃ બજારમાં પાછલાં 20 બજેટની શાનદાર તેજી જોવા મળી હતી. એક જૂન પછી નિફ્ટીમાં સૌથી મોટી તેજી થઈ હતી. નાણાપ્રધાનના બજેટની જાહેરાતોને શેરબજારે વધાવી લીધું હતું. જેથી સેન્સેક્સે મહત્ત્વની એવી 48,350 અને નિફ્ટીએ 14,200ની સપાટી કુદાવી હતી. પ્રોત્સાહક બજેટને લીધે બીએસઈ સેન્સેક્સ અને નિફ્ટી 50 આશરે પાંચ ટકા ઊછળ્યા હતા, જ્યારે નિફ્ટી બેન્કેક્સ ઇન્ડેક્સ આઠ ટકા ઊછળ્યો હતો.

બીએસઈ સેન્સેક્સ 2315 પોઇન્ટ ઊછળીને 48,600.61ના મથાળે બંધ આવ્યો હતો, જ્યારે નિફ્ટી 646 પોઇન્ટ ઊછળી 14,281ના મથાળે બંધ રહ્યો હતો. નિફટી બેન્કમાં 27 મે, 2020ની મોટી તેજી જોવા મળી હતી. નિફ્ટી ઇન્ડેક્સે 32,842નો નવી રેકોર્ડ સપાટી સર કરી હતી. સેન્સેક્સે ટ્રેડિંગ સેશન દરમ્યાન 48,764 અને નિફ્ટીએ 14,336ની ઊંચી સપાટી સર કરી હતી. બેન્ક નિફ્ટીએ નવી રેકોર્ડ સપાટી સર કરી હતી. બીએસઈના બધાં સેક્ટોરિયલ ઇન્ડેક્સના શેરોમાં લેવાલી જોવા મળી હતી. મિડકેપ ઇન્ડેક્સ 691 પોઇન્ટ વધીને 21,601 બંધ રહ્યો હતો.બીએસઈ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 6.4 લાખ કરોડથી વધીને રૂ. 192.53 લાખ કરોડ થયું હતું, જે ગયા શુક્રવારે એ રૂ. 186.12 લાખ કરોડના સ્તરે હતું. નિફ્ટી 50 ઇન્ડેક્સના 45 શેરો તેજીમાં હતા, જ્યારે સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 શેરોમાંથી 26 શેરો તેજીમય હતા.  સરકારે સરકારી બેન્કમાં મૂડી ઠાલવવાની જાહેરાત કરતાં નિફ્ટી બેન્કેક્સમાં જોરદાર ઉછાળો આવ્યો હતો. મિડકેપ શેરોમાં પણ પ્રોત્સાહક વલણ જોવા મળ્યું હતું.