‘બૅડ બૅન્ક’ની સ્થાપના એનપીએની સમસ્યાનો ઉકેલ લાવશે

નાણાપ્રધાન નિર્મલા સીતારામને બૅન્કોને બખ્ખાં કરાવી દે એવી મહત્ત્વપૂર્ણ જાહેરાત કેન્દ્રીય બજેટમાં કરી છે.

બૅન્કિંગ ક્ષેત્રની નોન પરફોર્મિંગ ઍસેટ્સ (એનપીએ)ની કદાવર સમસ્યાના હલ માટે સરકારે હવે ઍસેટ રિકન્સ્ટ્રક્શન અને ઍસેટ મૅનેજમેન્ટ કંપની સ્થાપવાનો નિર્ણય લીધો છે. બીજા શબ્દોમાં કહીએ તો અત્યાર સુધી જેની ચર્ચા ચાલી રહી હતી એવી ‘બૅડ બેંક’ની સ્થાપના થવા જઈ રહી છે.

નાણાપ્રધાને નાણાકીય વર્ષ 21-22ના બજેટ ભાષણમાં જાહેર કર્યા મુજબ બૅન્કોની તમામ એનપીએને એકત્રિત કરીને બૅડ બેન્કમાં રાખવામાં આવશે અને સરકારે રચેલી ઍસેટ રિકન્સ્ટ્રક્શન કંપની અને ઍસેટ મૅનેજમેન્ટ કંપની બૅડ ડેટને ઑલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ તથા અન્ય સંભવિત રોકાણકારોને વેચીને નાણાં ઊભાં કરશે.

અહીં જણાવવું રહ્યું કે બેંકોની કુલ એનપીએ આગામી સપ્ટેમ્બર મહિના સુધીમાં ધિરાણના 13.5 ટકા સુધી પહોંચવાની ધારણા છે. ગત વર્ષના સપ્ટેમ્બરના અંતે આ પ્રમાણ 7.5 ટકા હતું.

રિઝર્વ બેન્કે ગયા મહિને જાહેર કરેલા ફાઇનાન્સિયલ સ્ટેબિલિટી રિપોર્ટ અનુસાર જો દેશની મેક્રોઇકોનોમિક સ્થિતિથી વધુ ખરાબ થશે તો કુલ એનપીએનું પ્રમાણ વધીને 14.8 ટકા પણ થઈ શકે છે.

રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાન્ત દાસે એનપીએની સમસ્યાના હલ માટે બૅડ બૅન્કની સ્થાપનાનો વિચાર ગયા મહિને વહેતો મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે આવી ઍસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીના નિયમન માટેની માર્ગદર્શિકા કેન્દ્રીય બેંક પાસે છે.

અહીં એ પણ જણાવવું રહ્યું કે વર્ષ 20-21ના આર્થિક સર્વેક્ષણમાં પણ બૅન્કોની ઍસેટ્સની ગુણવત્તા બાબતે સમીક્ષા કરવાની ભલામણ કરવામાં આવી હતી.

સરકારી બૅન્કોને વધુ મૂડી આપવાની જાહેરાત

નાણાપ્રધાને જાહેર કર્યા મુજબ સરકારી બૅન્કોને પહેલી એપ્રિલથી 20,000 કરોડ રૂપિયાની વધારાની મૂડી આપવામાં આવશે, જેથી તેઓ વધુ પ્રમાણમાં ધિરાણ આપી શકે. સરકારે વર્તમાન નાણાકીય વર્ષ માટે પણ 20,000 કરોડ રૂપિયાની મૂડી આપવાનું અગાઉ જાહેર કર્યું હતું. 

બજેટમાં કરાયેલી આ જાહેરાતોને પગલે સોમવારે ખાનગી અને સરકારી બંને બૅન્કોના શેરોમાં ઊછાળો આવ્યો હતો. એનએસઈના ખાનગી અને સરકારી બૅન્કોના ઇન્ડેક્સ લગભગ 8 ટકા વધીને બંધ રહ્યા હતા, જ્યારે નિફ્ટી50માં થયેલો સુધારો પાંચ ટકા જેટલો હતો.