સુરતઃ સુરત જિલ્લાની કોઈ પણ વ્યક્તિ આત્મહત્યાના વિચાર આવે એ પહેલાં તે પોલીસનો સંપર્ક કરે એવું પોલીસ કહે છે, પણ આવું કોઈ કરે ખરું? મતલબ, તમે આત્મહત્યા કરવાનું નક્કી કરો એ પહેલાં તમે પોલીસનો સંપર્ક કરો ખરા?
હા, કરાય. સુરત પોલીસના અનુભવ મુજબ આ વાત સાચી છે. બહુ મૂંઝાયેલા, નદીના પુલ ઉપર પહોંચી ગયેલા, નહેરના કિનારે કૂદી પડતાં પહેલાં 10થી 12 લોકોએ સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કર્યો છે અને આ અધિકારીઓએ તેમને મોત પાસેથી પાછા વાળ્યા છે.
આત્મહત્યા નિવારણ માટેની એક હેલ્પલાઇન
વાત એમ છે કે સુરત જિલ્લા પોલીસ દ્વારા આત્મહત્યા નિવારણ માટેની એક હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.
તો એમાં નવું શું છે? એવો પ્રશ્ન થાય તો જાણી લો કે આ હેલ્પલાઇનમાં સુરત જિલ્લા પોલીસ વડા ઉષા રાડા અને જિલ્લાના ડીવાયએસપીના નંબરો આપવામાં આવ્યા છે અને તેમના અંગત નંબરનાં બોર્ડ નદીના પુલ ઉપર અને સુરત જિલ્લાનાં બજારોમાં બોર્ડ બનાવી મૂકવામાં આવ્યાં છે.
અધિકારીઓના ત્વરિત એક્શન
સુરત જિલ્લા પોલીસ વડા ઉષા રાડા ચિત્રલેખા.કોમ ને કહે છે કે છેલ્લા થોડા સમયથી આત્મહત્યાના કેટલાક કેસ અમારી સામે આવ્યા છે. ગુના અટકાવીએ, આરોપીને પકડીએ પણ કોઈનું જીવન જતું રહે ત્યારે બીજા કોઈને કશો ફરક પડતો નથી પણ ભોગવવાનું માત્ર એ પરિવારે હોય છે. અમે ઉચ્ચ અધિકારીઓના નંબર એટલા માટે આપ્યા છે કે અધિકારીઓ પાસે કોઈ પણ માહિતી આવે એટલે તે લોકો કોઈ પણ એક્શન ઝડપથી લઇ શકે છે અને ઘણા બધા લોકોને દોડાવી શકે છે. એટલે અમે આ હેલ્પલાઇન શરૂ કરી છે. લોકો સંપર્ક પણ કરે છે અને અમારા અધિકારીઓના ત્વરિત એક્શનને કારણે 10-12 લોકોએ એકદમ આત્મહત્યાના વિચારથી પાછા વાળ્યા છે આવા કામ અમને સૌને, આખી ટીમને આવા કામ કરવાથી આત્મસંતોષ મળે છે.
યોગ્ય માર્ગદર્શન
કોઈ માનસિક કે શારીરિક બીમારીથી પીડાતી વ્યક્તિ હોય, અથવા સામાજિક અને પારિવારિક સમસ્યા, આર્થિક સંકડામણ, એકલતા, વિદ્યાર્થીઓના ભણતર અને પરીક્ષાની ચિંતા જેવી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ સદાય તેમની સેવામાં તત્પર રહેશે. જિલ્લાની કોઈ પણ વ્યક્તિને આત્મહત્યાના વિચારોમાંથી મુક્તિ મળે અને પોતાનું જીવન સારી અને સુખી રીતે જીવી શકે એ માટે યોગ્ય માર્ગદર્શન આપવાની શરૂઆત કરી છે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમસ્યાથી હતાશ થઈ આત્મહત્યા ન કરે તેવાં તમામ પગલાં સુરત જિલ્લા પોલીસ લઈ રહી છે. સ્યુસાઇડ પોઇન્ટ પર ફ્લેક્સ બેનરો લગાવી એન્ટિ હેલ્પલાઇનના નંબરો દર્શાવવામાં આવ્યા છે. અને હવે આ જ મુદ્દાને આવરી લેતી એક વિડિયો ડોક્યુમેન્ટરી રિલીઝ કરી છે.
સુરત જિલ્લા સ્યુસાઇડ હેલ્પલાઇન નંબર
- ઉષા રાડા (પોલીસ અધિક્ષક સુરત ગ્રામ્ય) 99784 05082, 2. સી. એમ. જાડેજા (નાયબ પોલીસ અધિક્ષક સુરત ડિવિઝન), 99784 43889, 3. આર. એન. સોલંકી (નયાબ પોલીસ અધિક્ષક, બારડોલી ડિવિઝન) 99784 08075, 4. બી. વી. પંડ્યા (નાયબ પોલીસ અધિક્ષક. એસટી એસસી સેલ) 8469995707, 5. એમ. પી. ચૌધરી (નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથક સુરત ગ્રામ્ય) 99784 08074, 6. એ. પી. બ્રહ્મભટ્ટ (પોલીસ ઇન્સ્પેક્ટર, એલઆઈબી શાખા) 98791 60545 પર સંપર્ક કરવાનો રહેશે.
(ફયસલ બકીલી-સુરત)