કાળઝાળ ગરમીમાંથી મળશે આંશિક રાહત, તાપમાનનો પારો ગગડ્યો

રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. આકરી ગરમી માંથી આંશિક રાહત રાજ્યવાસીઓને મળશે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસને લઈને ગુજરાત રાજ્યમાં વાતાવરણની આગાહી કરી છે. જે મુજબ આજથી જ ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે. આ ઉપરાંત આગામી બે દિવસ હજુ પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ભેજયુક્ત પવન ફૂંકાશે. ત્યારબાદ રાજ્યના કોઈપણ જિલ્લામાં હીટવેવ અથવા ગરમીને લઈને કોઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ ગત રોજ અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 24 કલાકમાં બે ડિગ્રી સેલ્સિયસ વધીને 45.2 ડિગ્રી નોંધાયું હતું.

હવામાન વિભાગ દ્વારા આજથી આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તેમાં પણ ખાસ કરીને મધ્ય અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ઝડપી પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરી છે. આ પવનની ગતિ 25-30 કિલોમીટર પ્રતિકલાકની રહેશે તથા પવનની દિશા પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ તરફથી રહેશે. તેને કારણે ગુજરાતનું તાપમાન ધીમેધીમે બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે. આજે અમદાવાદનું તાપમાન ઘટીને પણ 43 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાયું છે. ગત રોજ અમદાવાદ શહેરમાં 45 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ તાપમાન નોંધાવાને કારણે હવામાન વિભાગ દ્વારા હીટવેવ જાહેર કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આ ઉપરાંત આગામી પાંચ દિવસ માટે ઉત્તર પૂર્વી અરબસાગરમાં સમુદ્રી હિલચાલને કારણે દરિયામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આથી માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અરબ સાગરમાં સર્જાયેલા ડીપ સ્ટીપ પ્રેશર ગ્રેડિયન્ટને કારણે 35થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે.