નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સોમવારે 2002ના ગોધરા ટ્રેનમાં કોચને આગ ચાંપવાને મામલે દોષીઓની વિશિષ્ટ ભૂમિકા- તેમની ઉંમર અને તેમના દ્વારા જેલમાં ગુજારવામાં આવેલા સમય વિશે એક ચાર્ટ માગ્યો છે. કોર્ટે ગોધરા કાંડમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીઓની જામીન અરજી પર સુનાવણી કરતાં આ નિર્દેશ માગ્યો હતો. કોર્ટે અરજીકર્તાઓ અને રાજ્યના વકીલને કોન્સોલિડેટેડ ચાર્ટ તૈયાર કરવા માટે કહ્યું હતું.
કોર્ટમાં ગુજરાત દ્વારા હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દોષીઓની જામીન અરજીનો વિરોધ કરતાં કહ્યું હતું કે આ એક સંગીન ગુનો છે. તેમણે કહ્યું હતું કે આ એક રેરેસ્ટ ઓફ રેર ગુનો છે. તેમણે રજૂ કરવામાં આવેલા દોષીઓના મામલાને રાજ્યની નીતિ હેઠળ સમય પહેલાં છોડી મૂકવા માટે માની ના શકાય, કેમ કે તેમની સામે ટાડાની જોગવાઈને લગાવવામાં આવી હતી. કોર્ટ આ મામલે સુનાવણી કરી રહી હતી. રાજ્ય સરકારે હાઇકોર્ટના એ આદેશની સામે અપીલ દાખલ કરી હતી, જેમાં કેટલાક દોષીઓની સજાને મૃત્યુદંડથી આજીવન કેદમાં ફેરવવામાં આવી હતી.
27 ફેબ્રુઆરી, 2002એ ગુજરાતના ગોધરા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના કેટલાક ડબ્બાઓને આગ ચાંપવામાં આવતાં આશરે 58 લોકોએ જીવ ગુમાવ્યા હતા. એ ઘટના પછી રાજ્યમાં મોટા પાયે રમખાણો થયાં હતાં. 2011માં એક સ્થાનિક કોર્ટે 31 લોકોને દોષી ઠેરવ્યા હતા અને 63 લોકોને પુરાવાઓને અભાવે છોડી મૂક્યા હતા, જેમાંથી 11 દોષીઓને મોતની સજા સંભાળાવી હતી અને બાકીના લોકોને આજીવન કેદની સજા સંભળાવી હતી.
જોકે હાઇકોર્ટે 11 દોષીઓની મોતની સજાને આજીવન કેદમાં તબદિલ કરી હતી, જેમાં સરકારે હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.