‘સ્ટેચ્યુ ઓફ યુનિટીને’ પ્રવાસીઓ માટે પુન: ખુલ્લું મુકાયું

રાજપીપળાઃ  નર્મદા જિલ્લાના કેવડિયા કોલોનીમાં આવેલા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને સરકારની કોવિડ-૧૯ની માર્ગદર્શિકા સાથે આજથી પુન:ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના પરિસરની આસપાસના રિવર રાફ્ટિંગ, એકતા નર્સરી, કેક્ટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન અને વિશ્વ વન વગેરેને પણ પ્રવાસીઓ માટે ખુલ્લાં મૂકવામાં આવ્યાં છે.

આજે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાત લેનાર મહારાષ્ટ્ર થાણેના પ્રવાસી વિક્રાંત નીત નાવરેએે પોતાનો પ્રતિભાવ આપતાં કહ્યુ હતું કે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાત લઇને ઘણો જ આનંદ થયો છે. અમે પરિવાર સાથે અહીં આવ્યા છીએ. આ મુલાકાતથી અમે ખૂબ જ ખુશ છીએ, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો તેમણે આભાર માન્યો હતો.

‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના મુલાકાતી પ્રવાસીઓએ ૪૫ માળની ઊંચાઈએ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હ્દય સ્થાનેથી નર્મદા ડેમનો નજારો માણવાની સાથોસાથ વિધ્યાંચળ-સાતપુડા ગિરિમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું તેમ જ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’માં પ્રદર્શન, લાઇબ્રેરી, સરદાર સાહેબના જીવન-કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ પ્રવાસી મુલાકાતીઓએ નિહાળી હતી.

  કુલ-૫ સ્લોટની વ્યવસ્થા

‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’માં સવારે ૮થી ૧૦ અને ૧૦થી ૧૨, બપોરે ૧૨થી ૨ અને ૨થી ૪ તેમ જ સાંજે ૪થી ૬ સહિત એમ  કુલ-૫ સ્લોટની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં પ્રત્યેક સ્લોટમાં  ૫૦૦ પ્રવાસીઓને પ્રવેશ  આપવામાં આવશે.

કોવિડ-૧૯ની માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને સામાજિક અંતરની સાથે દરરોજ ૨૫૦૦ પ્રવાસીઓને પ્રવેશ અપાશે. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની ટિકિટ દર બે કલાકના સ્લોટમાં ઓનલાઇન ધોરણે જ અધિકૃત ટિકિટ વેબસાઇટ www.soutickets.in  ઉપરથી મેળવી શકાશે. પ્રવાસીઓને વધુ પૂછપરછ તેમ જ ફરિયાદ માટે ટોલ ફ્રી ફેલ્પલાઇન નં. ૧૮૦૦ ૨૩૩ ૬૬૦૦ પર સંપર્ક સાધવો.