અમદાવાદ: હવામાન વિભાગે કાળઝાળ ગરમીની સામે કમોસમી વરસાદની આગાહી પણ કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આજે અને આવતી કાલે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનો પારો વધશે. આ બે દિવસ દરમિયાન ગરમીનો પારો 39થી 40 ડિગ્રી રહેશે. આ સાથે જ હવામાન વિભાગે માવઠાની પણ આગાહી કરી છે. જેને કારણે ખેડૂતોની ચિંતામાં ફરી વધારો થયો છે.
રાજ્યમાં મંગળવારે નવ શહેરોમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રીથી વધારે નોંધાયું છે. આ સાથે અમદાવાદમાં બીજા દિવસે ગરમીનો પારો 41 ડિગ્રીએ પહોંચ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ મહત્તમ તાપમાનમાં ફેરફારની સંભાવના નહિવત્ છે. આ દરમિયાન રાજ્યમાં માવઠાનો વધુ એક રાઉન્ડ થવાની શક્ચતા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ 41 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે.
રાજ્યમાં વલસાડ, સુરત, નવસારી, સુરત,અમરેલી, ભાવનગર, દમણ અને દાદરાનગર-હવેલીમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવાની સાથે ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. જ્યારે આજે કચ્છ અને બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે.
ગાંધીનગર, અમરેલી, રાજકોટ, વડોદરા, જુનાગઢ, દાહોદ અને સુરતમાં 39 ડિગ્રીથી વધારે ગરમી નોંધાઈ હતી. ગરમી વચ્ચે માવઠાના વધુ એક રાઉન્ડની સંભાવનાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. માર્ચ મહિનામાં પણ અનેક જિલ્લામાં માવઠાથી પાક પર અસર પડી હતી.
