અમદાવાદઃ ‘જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પરભાત’ જેવા લોકપ્રિય ગુજરાતી કાવ્ય આપનાર ગુજરાતી સાહિત્યના આદ્ય કવિ અને સામાજિક પરિવર્તનના પ્રખર હિમાયતી એવા નર્મદા લાભશંકર દવે- નર્મદની સ્મૃતિમાં તેમના જન્મદિવસે એટલે કે 24 ઓગસ્ટે ‘વિશ્વ ગુજરાતી ભાષા’ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આવતી કાલે 24 ઓગસ્ટ છે, ત્યારે રાજ્ય સરકારે ગુજરાતી ભાષા માટે કંઈક કરી છૂટવાની નેમ સાથે અનોખી પહેલ કરી છે.
ગુજરાતી ભાષાનો વ્યાપ વધારવા તથા તેના સંવર્ધન અને જતન માટે રાજ્ય સરકાર દ્વારા અનેક નવતર પહેલ ગુજરાતી ભાષાના સમૃદ્ધ વારસાના જતન સાથે તેનો વ્યાપ વધારી ગુજરાતી ભાષાનું ગૌરવ વધારવા સૌ ગુજરાતીઓ સંકલ્પબદ્ધ બને એ માટે રાજ્યનાં આઠ મહાનગરો-શહેરોમાં તમામ સરકારી કાર્યાલયો, પરિસરો અને સાર્વજનિક સ્થળોએ માહિતી આપતાં લખાણોમાં અંગ્રેજી/હિન્દી સાથે ગુજરાતી ભાષાનો ઉપયોગ ફરજિયાત કર્યો છે.
ઓસ્ટ્રેલિયામાં ચાલતો ગુજરાતી એસબીએસ રેડિયો હોય કે, પછી જુદાં-જુદાં રાજ્યો અને વિદેશોમાં ચાલતા ગુજરાતી સમાજો હોય, વર્ષ 1932માં આવેલી પ્રથમ ગુજરાતી ચલચિત્ર નરસિંહ મહેતાથી લઈને ઓસ્કારમાં જનારી પ્રથમ ગુજરાતી ચલચિત્ર છેલ્લો શો હોય, આ તમામે ગુજરાતી ભાષાના જતન સાથે ગુજરાતી ભાષાને વૈશ્વિક સ્તરે પહોંચાડી છે. ભારતના બંધારણમાં સમાવિષ્ટ 22 સત્તાવાર ભાષાઓમાંની એક ભાષા ગુજરાતી છે. ગુજરાતી એ ગુજરાત રાજ્ય તેમ જ દાદરા અને નગરહવેલી તથા દમણ અને દીવ કેન્દ્રશાસિત પ્રદેશની સત્તાવાર ભાષા છે. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે 5.5 કરોડ ગુજરાતી બોલનારા લોકોની સાથે ગુજરાતી ભારતમાં છઠ્ઠી સૌથી વધુ બોલાતી ભાષા છે.
વધતા જતા વૈશ્વિકીકરણ અને શિક્ષણના વધેલા વ્યાપને કારણે ગુજરાતમાં પણ અંગ્રેજીનું મહત્વ વધ્યું છે, ત્યારે ગુજરાતી ભાષાના સમૃદ્ધ વારસાના જતન સાથે તેનો વ્યાપ વધારવા આજે વિશ્વ ગુજરાતી ભાષા દિને સૌ ગુજરાતીઓએ ભાષાની જાળવણી અને સંવર્ધન માટેનો સંકલ્પ લેવો અત્યંત આવશ્યક છે.