ગાંધીનગરઃ રાજ્ય વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે છેલ્લો દિવસ છે, ત્યારે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના નવ જિલ્લામાં જુલાઈમાં પડેલા ભારે વરસાદને પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. આવી વિકટ પરિસ્થિતિમાં જગતના તાતને આર્થિક નુકશાનીમાં સહાયરૂપ થવા CM ભૂપેન્દ્ર પટેલની મંજૂરીથી રાજ્ય સરકાર દ્વારા રૂ. 350 કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યમાં ચાર લાખ હેકટર વિસ્તારમાં પાકને થયેલા નુકસાનથી અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે. વિધાનસભાના નિયમ 44 અંતર્ગત ગૃહમાં કૃષિ સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે.
રાજ્યના ખેડૂતો પર આવેલી કુદરતી આફતના સમયે કેન્દ્ર અને રાજ્ય સરકાર હરહંમેશ ખેડૂતોની પડખે અડીખમ ઊભી છે. રાહત પેકેજ અંગે વિસ્તૃત વિગતો આપતાં તેમણે જણાવ્યું હતું કે જુલાઈમાં જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને તાપી જિલ્લાના મળી કુલ 45 તાલુકામાં અનરાધાર ભારે વરસાદ વરસતાં આશરે 4,06,892 હેક્ટર વિસ્તાર ભારે વરસાદથી અસરગ્રસ્ત થયો હતો. આ અસરગ્રસ્ત વિસ્તારમાં 272 ટીમોની રચના કરી વિગતવાર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેને આધારે આશરે 1.50 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે. અસરગ્રસ્ત ખેડૂતોને SDRF-સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડનાં ધારા-ધોરણો મુજબ પાક નુકસાન માટે સહાય આપવામાં આવશે.
આ ઉપરાંત જે કિસ્સામાં જમીન ધારકતાને આધારે નિયત ધોરણો મુજબ જો સહાય ચૂકવવા પાત્ર રકમ રૂ. 3,500 કરતાં ઓછી થતી હોય, તો તેવા કિસ્સામાં ખાતાદીઠ ઓછામાં ઓછા રૂ. 3500 ચૂકવવામાં આવશે, જેમાં SDRF ઉપરાંતની તફાવતની રકમ રાજ્ય બજેટમાંથી ચૂકવવામાં આવશે.
આ સાથે ખેડૂતોને સહાય આપવા અંગે સંબંધિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત ગામોની યાદી જાહેર કરવામાં આવશે. સહાય માટે નુકસાનગ્રસ્ત ગામોના નિયત નુકસાન ધરાવતા ખાતેદાર ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ સેન્ટર પરથી સાધનિક આધાર પુરાવા સાથે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. આ ઉપરાંત નવસારી જિલ્લાના ગણદેવી તાલુકા માટે નિયત નમૂનાની અરજી તાલુકા વિકાસ અધિકારીને કરવાની રહેશે.