મહેમદાબાદનું આ દેવસ્થાન છે આસ્થાનું અનોખું પ્રતિક

ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તુ જલ્દી આ..

તો લો આ વર્ષે બાપ્પા આવી ગયા છે. ગણેશોત્સવની શરૂઆત રંગેચંગે થઈ ગઈ છે. સમગ્ર દેશમાં ગણપતિ દાદાના અનેક મંદિરો આવેલા છે. પરંતુ થોડા સમયમાં ભાવિકોની શ્રદ્ધાનું પ્રતિક બનેલા સિદ્ધિવિનાયક મંદિરની વાત જ જુદી છે.

દુંદાળા દેવ ગણપતિની આરાધનાના દિવસો શરૂ થઈ ગયા છે. ગણેશોત્સવ દરમિયાન દાદાના જુદા-જુદા મંદિરોમાં દર્શન કરવાનું અનેરું મહાત્મય છે. ત્યારે અમદાવાદ નજીક આવેલું આ ગણેશ મંદિર ખાસ છે. આ ગણપતિ મંદિરનો આકાર જ ગણેશજીની મૂર્તિ જેવો છે.

આ મંદિરનો છે મુંબઈથી નાતો

અમદાવાદ-ડાકોર હાઈવે ઉપર આવેલા દેવનગરી મહેમદાવાદની વાત્રક નદીના કાંઠે શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન છે. આ મંદિર 6 લાખ સ્કેવરફૂટ વિસ્તારમાં તૈયાર કરવામાં આવ્યું છે. મંદિરની ઊંચાઈ 73 ફૂટ છે. જ્યારે મુંબાઈના જાણીતા સિદ્ધિવિનાયક મંદિરની મૂર્તિ જેવી જ મૂર્તિ અહીં સ્થાપિત કરવામાં આવી છે. એટલુ જ નહીં મુંબઈના જ સિદ્ધિવિનાયક મંદિરથી લાવવામાં આવેલી જ્યોત પણ અહીં સ્થાપિત કરવામાં આવી છે. આ વિશાળ મંદિર એના અદભૂત સ્થાપત્ય માટે ખૂબ પ્રખ્યાત છે.

મંદિરની સ્થાપના- વિશેષતા

શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાનની સ્થાપના 2014માં  થઈ હતી. મંદિરનું નિર્માણ અંદાજે 14 કરોડના ખર્ચે કરવામાં આવ્યું હતું. ગણેશ ભગવાનના મંદિરની બનાવટમાં કોઈ પણ જગ્યાએ સિમેન્ટ કે લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. મંદિરનો શિલાન્યાસ જમીનની 20 ફૂટ નીચે કરવામાં આવ્યો છે. સમગ્ર મંદિર એક જ શિલા પર ઉભુ કરાયું છે. વિશ્વના અન્ય 10 જેટલા દેશોમાં સ્થાપિત ગણેશજીની પ્રતિકૃતિઓ પણ આ દેવસ્થાનમાં સ્થાપિત કરવામાં આવી છે. સમગ્ર ભારતમાં આ એક માત્ર મંદિર છે જેમાં છેક ઉપરના માળે ગણેશજી બિરાજમાન છે. જ્યાં જવા ભક્તો માટે લિફ્ટની પણ સુવિધા છે.

વિશેષ ગણેશોત્સવ

મહેમદાવાદ સિદ્ધિવિનાયક મંદિરમાં ગણેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. માત્ર મંદિર જ નહીં પરંતુ સમગ્ર મહેમદાવાદ તાલુકો ગણેશમય બને એ માટે મંદિર તરફથી જ ગણપતિની ઇકોફ્રેન્ડલી મૂર્તિનું પણ વિતરણ કરવામાં આવ્યું છે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા સિદ્ધિવિનાયક દેવસ્થાનના ટ્રસ્ટી નરેન્દ્રભાઈ પુરોહિત કહે છે કે : મંદિરના પ્રટાગણ ભવ્યથી ભવ્ય રીતે ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. સાથે જ મહેમદાવાદના તમામ તાલુકાઓમાં પણ ગણપતિ ઉત્સવની ઉજવણી થાય માટે મંદિર દ્ધારા ઇકોફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ આપવામાં આવે છે. આમ તો મંદિર દ્ધારા  365 દિવસ વ્યસન મુક્તિની જાગૃતિ માટે કામ કરવામાં આવે છે. જેમાં અનેક લોકોએ દાદાના સાનિધ્યમાં આવીને વ્યસન મુક્યું છે. તો આ ગણેશ ઉત્સવ દરમિયાન પણ બાપ્પાની મૂર્તિ આંગણે હોવાથી લોકો 10 દિવસ પુરતા વ્યસનથી દૂર રહે છે. અને એમ કરતા વ્યસન છુટે છે. ઉપરાંત માટીની મૂર્તિનો પ્રચાર પ્રસાર થાય, માટે મંદિર તરફથી જેમને પણ જોઈએ એ લોકોને મૂર્તિ આપવામાં આવે છે.

વધુમાં નરેન્દ્રભાઈ કહે છે, ઇકોફ્રેન્ડલી મૂર્તિનું વિતરણ તો મંદિર દ્ધારા કરવામાં આવે જ છે  સાથે પૂજાપો, ડેકોરેશનનો સામાન, ગણપતિ બાપ્પાના બેનર, દાદાના નામ લખેલા ખેસ, માથે બાંધવાની ગણપતિ દાદાના નામની રિબિન પણ મહેમદાવાદ સિદ્ધિવિનાયક મંદિર દ્ધારા આપવામાં આવે છે. મહેમદાવાદ તાલુકાના 200થી પણ વધુ મંડળો મંદિરમાંથી નિઃશુલ્ક મૂર્તિ મેળવે છે.

માટી રૂપે બાપ્પાનો પ્રસાદ

સિદ્ધિવિનાયક દેવસ્થાનમાં ગત વર્ષ(2022)થી ગણપતિ દાદાની ઇકોફ્રેન્ડલી મૂર્તિનું નિઃશુલ્ક વિતરણ કરવાની શરૂઆત કરવામાં આવી હતી. આ વર્ષે પણ એ જ રીતે ભાવિકોને મૂર્તિ આપવામાં આવી છે. સાથે મંદિરના આંગણમાં વિસર્જન કુંડ પણ બનાવવામાં આવ્યો છે. જે ભાવિકો મૂર્તિ લેવા આવે છે એમને પંડિતો દ્ધારા શ્લોકગાન સાથે વિધિવત મૂર્તિ આપવામાં આવે છે. મંડળો દ્ધારા 10 દિવસ ગણેશોત્વની ઉજવણી કરવામાં આવે છે. જ્યારે ઘણા ભાવિકો એવા  પણ હોય છે જે પોતાના ઘરે બાપ્પાને બિરાજમાન કરે છે. આવા ભક્તો એક દિવસ, ત્રણ દિવસ કે પાંચ દિવસ બાપ્પાનું સ્થાપન રાખે છે. ત્યાર પછી દાદાનું વાજતેગાજતે વિસર્જન કરે છે. માટે સિદ્ધિવિનાયક દેવસ્થાનમાં મૂર્તિ વિતરણ કરવામાં આવે એ જ દિવસથી વિશાળ કુંડ પણ બનાવવામાં આવે છે. જેમાં ભાવિકો દાદાનું વિસર્જન કરી શકે. દસ દિવસ પછી જ્યારે ગણેશોત્વનું સમાપન થાય અને કુંડમાં સ્થાપિત થયેલી માટી ડ્રાય થાય પછી તમામ ભાવિકો અને મંડળોને પ્રસાદી રૂપે માટી પહોંચાડવામાં આવે છે.

ગુજરાતમાં સિદ્ધિવિનાયક દેવસ્થાન એક માત્ર ગણેશ મંદિર છે જેના દ્ધારા નિઃશુલ્ક મૂર્તિનું વિતરણ થાય છે ઉપરાંત મંદિરના આગણે જ દાદાની મૂર્તિનું વિસર્જન પણ કરવામાં આવે છે.

હેતલ રાવ

પ્રજ્ઞેશ વ્યાસ