ક્રિકેટ ટુર્નામેન્ટનો હેતુ ક્રિકેટરોને આર્થિક રીતે મદદ કરવાનો

અમદાવાદઃ શહેરની એચએલ કોલેજના મેદાનમાં દર વર્ષે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. હેરિટેજ સિટી અમદાવાદના સૌથી જૂનામાં જૂના એક એવા એચએલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં જૂના મિત્રો અને અગ્રણી કંપનીઓ સાથે મળી ક્રિકેટ-મેચોનું આયોજન થાય છે.

એચએલ કોલેજના મેદાનમાં શનિવારની વહેલી સવારે ક્રિકેટની ટુર્નામેન્ટ શરૂ થઇ હતી. એચએલ રિ-યુનાઇટેડ દ્વારા યોજવામાં આવેલી ક્રિકેટની આ રમતનો હેતુ ફનની સાથે જરૂરિયાતમંદ રમતવીરોને મદદરૂપ થવાનો છે. દેશમાં શિક્ષણની સાથે રમત-ગમતની ટ્રેનિંગ પણ ખૂબ જ મોંઘી થતી જાય છે. આર્થિક રીતે સક્ષમ ના હોય એવા લોકોને શિક્ષણ માટે મદદ મળે છે.

આ ટુર્નામેન્ટ સાથે સંકળાયેલા અગ્રણી કિરાટ દામાણી ચિત્રલેખા.કોમને કહે છે કે રણજી ટ્રોફી રમતાં કેપ્ટન, પસંદગીકાર સુધી પહોંચ્યો. રમત ક્ષેત્રની યાત્રા દરમિયાન ઘણા સાથી ખેલાડીઓની ગરીબી જોઈ છે. કેટલાકને પગમાં પહેરવા બૂટ પણ નથી હોતા તો આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે ઘણા ખેલાડીઓ રમત છોડી જવા તૈયાર થઈ જાય છે. પણ ઉમદા, ટેલેન્ટેડ રમતવીરોને મદદ થાય,  આગળ વધે એ માટે અમે આ ટુર્નામેન્ટ દ્વારા એક પ્રયાસ કરી રહ્યા છીએ. ક્રિકેટ કે અન્ય રમતવીરને રમવાની તક, સાધનોની સાથે કોર્પોરેટ કંપનીઓમાં રોજગારી પણ મળે એવા પ્રયત્નો કરીએ છીએ. આ પ્રયત્નોમાં કેટલાક અંશે સફળતા પણ મેળવી.

બે દિવસ રમાનારી એચએલ રિ-યુનાઇટેડ સ્મેશિંગ 7′ S  ક્રિકેટ ટુર્નામેન્ટના ઉદઘાટન સમારોહમાં  જાણીતા ક્રિકેટર પાર્થિવ પટેલ, કોચ તેમ જ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

(પ્રજ્ઞેશ વ્યાસ)