અમદાવાદઃ બોટાદમાં થયેલા ઝેરી લઠ્ઠાકાંડમાં 42 જણનાં મોત થઈ ચૂક્યા છે, ત્યારે ગુજરાત પોલીસે આ સપ્તાહે રાજ્ય વ્યાપી કાર્યવાહી દરમ્યાન 2500 લોકોની ધરપકડ કરી છે અને આશરે રૂ. 1.5 કરોડનો ગેરકાયદે દારૂ જપ્ત કર્યો છે, એમ રાજ્યના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું હતું.
રાજ્યમાં દારૂબંધી લાગુ હોવાથી પોલીસ દ્વારા એક ઝુંબેશ ચલાવવામાં આવી છે, જેમાં છેલ્લા 48 કલાકમાં વિદેશી દારૂ વેચવાના આરોપસર 198 કેસ નોંધવામાં આવ્યા છે, જ્યારે 191 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
રાજ્યમાં દેશી દારૂના 3971 કેસો કરવામાં આવ્યા છે અને 2405 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, એમ એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ નરસિંહા કોમારે કહ્યું હતું. સોમવારે બોટાદના રોજિદ ગામમાં ઝેરી દારૂ પીવાથી 42 લોકોના મોત થયાં હતા અને હજી પણ વિવિધ હોસ્પિટલોમાં 97 લોકો સારવાર હેઠળ છે, જેમાંથી ત્રણની હાલત ગંભીર છે. આ લોકોએ દેશી દારૂની આડમાં ઝેરી રસાયણ પીધું હતું.
બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડની ગંભીર નોંધ લેતાં રાજ્યના ગૃહ વિભાગે આકરી કાર્યવાહી શરૂ કરી છે, વિભાગે આઠ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે અને બે SPની ટ્રાન્સફર કરી દેવામાં આવી છે, જેમાં SPથી માંડીને PSI સુધીના પોલીસ અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવ્યાં છે.
બોટાદ અને અમદાવાદના લઠ્ઠાકાંડથી ધડો લેતાં ગુજરાતની પોલીસ એક્શનમાં આવી ગઈ છે. ગેરકાયદે દારૂના વેચાણને અટકાવવા માટે ગુજરાતના એડિશનલ DGP રાજકુમાર પાંડિયને કેમિકલનો વેપાર કરનારા બધા વેપારીઓની એક બેઠક બોલાવી હતી, જ્યાં તેમણે વેપારીઓને મેથેનોલ આલ્કોહોલ્ક કેમિકલના ઉપયોગમાં નિયમોનું પાલન કરવા અને એનો ગેરકાયદે દુરુપયોગ ન થવા દેવાની ચેતવણી ઉચ્ચારી હતી.
