ગુજરાતમાં ગત સપ્તાહે ધામાકેદાર બેટિંક કર્યા બાદ મેઘરાજાએ આજે વિરામ લીધો છે. મળતી માહિતી મુજબ ગત 24 કલાક દરમિયાન રાજ્યમાં સરેરાશ વરસાદ માત્ર 1.36 એમ.એમ. જ નોંધાયો છે. જેમાં કચ્છના મુન્દ્રા તાલુકામાં રાજ્યનો સૌથી વધુ એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે રાજ્યના કુલ 68 તાલુકામાં એક ઇંચ કરતાં પણ ઓછો વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે આજે સવારે 6.00 થી 10.00 કલાક દરમિયાન રાજ્યના કોઇપણ તાલુકામાં વરસાદ નોંધાયો નથી.
ગુજરાતમાં હાલ સુધીમાં ચોમાસાની સિઝનનો કૂલ સરેરાશ વરસાદ 111 ટકા નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 179 ટકા કરતા પણ વધારે અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં 124 ટકાથી વધુ તેમજ દક્ષિણ ગુજરાત ઝોનમાં 111 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં 105 ટકાથી વધુ, જ્યારે, ઉત્તર ગુજરાતમાં હજુ સુધી 88 ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી
આજે 31 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદનું જોર ઘટશે અને સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરતું યલો ઍલર્ટ જ્યારે અમદાવાદ, ગાંધીનગર, આણંદમાં ગ્રીન ઍલર્ટ રહેશે.1 સપ્ટેમ્બરે નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલેયલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાયના 31 જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 2 સપ્ટેમ્બરે મધ્ય ગુજરાતના વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ભારે વરસાદને પગલે ભાવનગર, પંચમહાલ, દાહોદ, આણંદ, ભરૂચ અને નર્મદા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી 3થી 5 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાના વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી છે. જેમાં 3 સપ્ટેમ્બરે ભરૂચ અને નર્મદા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી સહિત આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, તાપી, નવસારી, ડાંગ, સુરત અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.