હાઇકોર્ટે રખડતા ઢોરોનાં મોત મામલે સરકારને ફટકાર લગાવી

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટમાં રખડતા ઢોરના અને બિસ્માર રસ્તાઓ મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં નિર્દોષ પશુઓના મૃત્યુ બાબતે હાઈકોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. એ સાથે જ નડિયાદ અને અમદાવાદમાં ગાયોનાં મોતના મુદ્દા અંગે પણ કોર્ટે ગંભીરતાથી નોંધ લેતાં ચિંતા વ્યક્ત કરી હતી.

રાજ્યભરમાં રખડતાં ઢોર અને બિસ્માર રોડ રસ્તા મામલે થયેલી જાહેર હિતની અરજી પર આજે વધુ એક વખત ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણીની શરૂઆત દરમિયાન નિર્દોષ પશુઓનાં મોત મામલે હાઇકોર્ટ દ્વારા ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી. જેમાં હાઇકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી છે કે માણસોના સ્વાર્થ અને લાભ માટે નિર્દોષ પશુઓનાં મોત ચલાવી લેવાશે નહીં.

નડિયાદ અને અમદાવાદમાં ગાયોનાં મોતના મુદ્દાને ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગંભીરતાથી લેવામાં આવી છે, જેમાં ઢોર વાડાઓમાં પશુઓને રાખવાની ક્ષમતા ઉપરાંત તેમને અપાતા ચારા અને મેડિકલ ટ્રીટમેન્ટ સહિતની વિગતો તાત્કાલિક ધોરણે ગુજરાત હાઇકોર્ટ દ્વારા મગાવવામાં આવી છે, જેમાં રાજ્ય સરકાર ઉપરાંત નડિયાદ કલેકટર અને જવાબદાર પક્ષકારોને આ તમામ મુદ્દે 24 કલાક એટલે કે એક જ દિવસમાં રિપોર્ટ રજૂ કરવા માટે હુકમ કરવામાં આવ્યો છે અને આ મામલે હવે હાઇકોર્ટમાં વિગતવાર સુનવણી હાથ ધરાશે.

હાઇકોર્ટ દ્વારા કડક ટકોર બાદ રાજ્યભરમાં રખડતા ઢોરને લઈને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં કેટલાક કિસ્સાઓમાં પશુઓનાં મોત થયાના અહેવાલ પણ સામે આવ્યા છે. આજની સુનાવણી દરમિયાન પશુમાલિકો દ્વારા ઢોરના મોત મામલે ગુજરાત હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી અને જે બાદ હાઇકોર્ટ આ મામલે વિગતવાર અહેવાલ મગાવ્યો છે.