એવિયેશન મંત્રી સિંધિયાનો એરલાઇન્સ કંપનીઓને વાજબી ભાડાં રાખવા નિર્દેશ

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કામકાજ અને ગ્રાહકોને લગતી સેવાઓથી સંબંધિત મુદ્દાઓના સમાધાન માટે એરલાઇન ઉદ્યોગના મુખ્ય પ્રતિનિધિઓની સાથે સલાહકાર ગ્રુપની બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકનું પ્રાથમિક ફોકસ પ્રત્યેક એરલાઇન માટે ઓન-ટાઇમ પ્રદર્શન (OTP)માં સુધારો કરવાનો હતો.

સિંધિયાએ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને VFR- સુસજ્જિત (વિઝ્યુઅલ ફ્લાઇટ રુલ્સ) એરપોર્ટો પર ટેક્નિકલ વિશિષ્ટતાઓનું પુનર્મૂલ્યાંકન કરવાના નિર્દેશ આપ્યા હતા, જેનો ઉદ્દેશ એરલાઇન્સના OTPને વધારવાનો અને પેસેન્જરો માટે વધુ કુશળ પ્રવાસનો અનુભવ કરાવવાનો હતો. તેમણે OTPની તપાસ કરવા સિવાય પ્રત્યેક એરલાઇન દ્વારા કાર્યાન્વિત ફ્લાઇટ્સના ભાડા સંબંધિત સ્વ-નિગરાની તંત્ર પર ચર્ચા કરી હતી. તેમણે એરલાઇન્સને વિશિષ્ટ માર્ગો પર વાજબી ભાડાં જાળવી રાખવાનો આગ્રહ કર્યો હતો.

એક અધિકારીએ કહ્યું હતું કે DGCA ટેરિફ મોનિટરિંગ યુનિટને પસંદગીના માર્ગો પર ફ્લાઇટ્સના ભાડાં પર નિયમિત દેખરેખ રાખવાનું કામ સોંપવામાં આવ્યું છે. સિંધિયાએ ટિયર 2 અને ટિયર 3 શહેરો અને આંતરરાષ્ટ્રીય સ્થાનો વચ્ચે કનેક્ટિવિટી વધારવાની દ્રષ્ટિએ એરલાઇન્સને આગામી છ મહિનાઓમાં યોજનાઓ શરૂ કરવા આહવાન કર્યું હતું. તેમણે પોઇન્ટ-ટુ-પોઇન્ટ સીધી ક્નેક્ટિવિટીને પ્રાથમિકતા આપવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત તેમણે એરલાઇન્સને પહોળી બોડી અને નેરો બોડી- લાંબા અંતર માટેનાં વિમાનોનો ઉપયોગ કરવા પર ક્ષમતા વધારવા માટે પ્રોત્સાહિત કરી હતી. તેમણે એરોસ્પેસ નિર્માતાઓ અને MROના સલાહકાર ગ્રુપથી પણ મુલાકાત કરી હતી અને નિયામકના મુદ્દાઓ પર વિચારવિમર્શ કર્યો હતો.