આ છે ગુજરાતનું એકમાત્ર ગાય બજાર!

રાજય સહિત દેશભરમાં જુદી-જુદી જાતના પ્રાણીઓ અને પક્ષીઓના બજાર ભરાય છે. જેમાં વ્યક્તિ દામ આપી ઉચ્ચ કોટીના જાનવરોની ખરીદી કરે છે. ગધેડાઓથી લઈને ઘોડા સુધી અનેક જાનવરોની બોલી પણ લાગે છે. જોકે આજે આપણે વાત કઈંક જુદી જ કરવાની છે. અહીં અમે તમને ગાયોના બજારમાં લટાર મારવા લઈ જઈશું.

જી, હા ગુજરાતમાં એક એવી પણ જગ્યા છે જ્યાં ગાયોનું બજાર ભરાય છે. મજાની વાત એ છે કે અહીં વેચાણ માટે લવાતી ગાયો મોટાભાગે પંજાબથી આવે છે. ગુજરાત રાજ્યમાં મુખ્યત્વે ત્રણ પ્રકારની ગાયો જોવા મળે છે. જેમાં કાંકરેજ, ગીર અને ડાંગી નસલની ગાયો જોવા મળે અને સંવર્ધન પણ થાય. છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાત રાજ્યની ગીર સહિતની ઉત્કૃષ્ટ ગાયો બહારના રાજ્યો અને દેશોમાં ઉછેર વેપાર થઈ રહ્યો છે. જ્યારે બહારના રાજ્યો અને દેશોની મિક્સ બ્રીડ, જર્સી, એચ એફ, સાયવાલ પાકિસ્તાની જેવી અનેક ગાયોનું ધૂમ વેચાણ ગુજરાતમાં થઈ રહ્યું છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં અરવલ્લી જિલ્લાના બાયડના મુખ્ય માર્ગ ઉપર પંજાબથી લાવવામાં આવતી ગાયોનું વેચાણ વધ્યુ છે.

પંજાબથી જુદી જુદી નસલની ગાયો લાવવામાં આવે છે. જેના વેચાણ અને ઉછેર જાળવણી માટે મોટી સંખ્યામાં બિહાર પ્રાંતના લોકો અહીં જોવા મળે છે. બાયડ જતા માર્ગ પર બંન્ને તરફ વિશાળ ટેન્ટની આસપાસ નાની મોટી વિવિધ જાતની ગાયોનું બજાર લાગ્યુ છે. પંજાબથી આવતી ગાયોના વેચાણને કારણે આસપાસના ગામડાંઓમાં એચ એફ, જર્સી, મિક્સ બ્રીડની ગાયોની વધતી સંખ્યા ઉડીને આંખે વળગે એવી છે.

મૂળ પંજાબ અમૃતસરના અને હાલમાં બાયડમાં ગાયોનું વેચાણ કરતા કસ્તુરીલાલ શર્મા ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે કે, હું 1983માં ગાયોનું વેચાણ કરવા અર્થે ગુજરાતમાં આવ્યો હતો. ત્યારથી અહીં જ વસી ગયો છું. પરિવારને મળવા ક્યારેક ક્યારેક અમૃતસર જવાનું થાય છે. હકીકતમાં ગાયોનું બજાર પહેલા માણસા, આણંદ, પણસોરા, બાપુદરા અને કપવંજમાં ભરાતું હતુ. પરંતુ છેલ્લા પાંચેક વર્ષથી અમે બાયડમાં જ વેચાણ કરીએ છીએ.
વધુમાં કસ્તુરીલાલ કહે છે, વર્ષ દરમિયાન મે અને જૂન બે મહિના દરમિયાન આ બજાર બંધ રહે છે બાકી દસ મહિના માર્કેટ ધમધમે છે. આસપાસના ગામના લોકો ઉપરાંત ગુજરાતભરમાંથી લોકો ઉચ્ચ નસલની ગાયો લેવા માટે આ માર્કેટમાં આવે છે.

જ્યારે 1987થી આ માર્કેટમાં કસ્તુરીલાલની સાથે ગાયોનું વેચાણ કરતા બિહારના બિટ્ટુભાઈ યાદવ ચિત્રલેખા.કોમને કહે છે.. ગીરથી લઈને પાકિસ્તાનની ખાસ કહેવાતી સાયવાલ ગાય આ બજારમાં મળી રહે છે. નાનામાં નાની ગાય રોજનું 8થી 10 લીટર દૂધ આપે છે. જ્યારે મોટી ગાયો 15 લીટર સુધી રોજનું દૂધ આપે છે.

નવાઈની વાત તો એ છે કે આ બજારમાં બધી જ ગાયો પંજાબથી લાવવામાં આવે છે. એટલુ જ નહીં અહીં ગાયોનું વેચાણ કરનાર વેપારીઓ મોટાભાગે બિહારના કે પંજાબના જ છે. જયારે ગાયોની ખરીદી કરનાર ગુજરાતી.

છેલ્લા 15 વર્ષથી આ માર્કેટમાં ગાયો લઈને આવતા ગુડ્ડુકુમાર યાદવ ચિત્રલેખા.કોમને કહે છે, અહીંની બધી જ ગાયો પંજાબના ગંગાનગરમાંથી લાવવામાં આવે છે. 45 હજારથી લઈને 90 હજાર અને ક્યારેક ખરીદદાર સારો હોય તો ઉંચી નસલની ગાયના લાખ રૂપિયા પણ મળી રહે છે. હું દસ મહિના ગુજરાતમાં આવીને ગાયોનું વેચાણ કરું છુ અને બે મહિના પરિવાર પાસે બિહાર જવુ છુ. પરત ફરતા પંજાબથી ગાયો લઈને આવુ છું.

અરવલ્લી જિલ્લાના બાયડ આસપાસના વિસ્તારમાં જ્યારે ખેતીમાંથી ઉપજ નહોતી થતી ત્યારે પશુપાલને જ પરિવારોને સહારો આપ્યો હતો. હાલ ગામડાંઓમાં ઠેર ઠેર ગાયોનું સંવર્ધન થતું જોવા મળે છે.

(હેતલ રાવ)

(તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)