કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા અમેરિકા ખાતે અનામત વિરોધી આપેલા નિવેદનને લઈ આજે ગુજરાત સહિત દેશમાં ભાજપ દ્વારા રેલી અને ધરણાં યોજવામાં આવ્યા હતા. ત્યારે અમદાવાદમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહેલીવાર કોઈ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે. આ વિરોધ પ્રદર્શનમાં ભાજપના ધારાસભ્યો અને અન્ય સિનિયર આગેવાનો ગાંધી આશ્રમ નજીક આવેલા બત્રીસી હોલથી પદયાત્રા કરી આવ્યા હતા અને ધરણાં યોજ્યા હતા. મુખ્યમંત્રી સહિત ભાજપના નેતાઓને કાર્યકર્તાઓએ હાથમાં કાળી પટ્ટી બાંધી અને વિરોધ દર્શાવ્યો છે.
રાહુલ ગાંધીના નિવેદન પર વિવાદ
રાહુલ ગાંધીએ તેમના અમેરિકા પ્રવાસ દરમિયાન જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે ભારતમાં ક્યાં સુધી અનામત ચાલુ રહેશે. આના પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસ જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અનામત ખતમ કરવા વિશે વિચારશે, જે અત્યારે નથી. રાહુલે કહ્યું હતું કે, “જ્યારે તમે નાણાકીય ડેટા જુઓ તો આદિવાસીઓને 100 રૂપિયામાંથી 10 પૈસા મળે છે, દલિતોને 100 રૂપિયામાંથી 5 રૂપિયા મળે છે અને OBCને પણ લગભગ એટલી જ રકમ મળે છે. વાસ્તવિકતા એ છે કે તેમને ભાગીદારી નથી મળી રહી. ભારતના દરેક બિઝનેસ લીડરની યાદી જુઓ. મને આદિવાસીઓ અને દલિતોના નામ બતાવો. મને ઓબીસીનું નામ બતાવો. મને લાગે છે કે ટોપ 200માંથી એક ઓબીસી છે. તેઓ ભારતના 50 ટકા છે, પરંતુ આપણે આ રોગનો ઈલાજ નથી કરી રહ્યા. જો કે હવે અનામત એ એકમાત્ર સાધન નથી. અન્ય સાધનો પણ છે.
અમદાવાદ શહેર ભાજપ દ્વારા આજે સુભાષ બ્રિજ ખાતે યોજાયેલી મૌન રેલી અને ધરણાં કાર્યક્રમમાં આરટીઓ સર્કલ ખાતે રાહુલ ગાંધીના ફોટા સાથે કોંગ્રેસનો અનામત વિરોધી ચેહરો સ્લોગન લખેલા બેનરો પણ લગાવવામાં આવ્યા હતા. SC, ST અને OBC અનામત રદ કરવાના રાહુલ ગાંધીના નાપાક ઇરાદાને ભારતીય જનતા પાર્ટી કામયાબ નહીં થવા દે તેવું પણ બનેરમાં લખ્યું હતું.