અમદાવાદઃ ગણેશોત્સવ રાજ્યમાં ખૂબ જ ઉમંગ અને ઉલ્લાસથી સૌકોઈ ઊજવે છે. ખાસ કરીને વડોદરા, સુરત અમદાવાદ અને વલસાડ વગેરે સ્થળોએ ધામધૂમપૂર્વક ગણેશોત્સવ મોટા પાયે ઊજવવામાં આવે છે. મુખ્ય પ્રધાન વિજય ભાઈ રૂપાણીએ ગણેશ ચતુર્થી નિમિત્તે મુખ્ય પ્રધાન આવાસમાં પર્યાવરણ પ્રિય ગણેશ સ્થાપનાનો નવતર અભિગમ અપનાવ્યો છે.
ઘરમાં રહીને જ આ દુંદાળા દેવની આરાધના
આ વર્ષે કોરોના સંક્રમણને કારણે સાર્વજનિક ગણેશોત્સવને બદલે લોકો સ્વયંભૂ પોતાના ઘરમાં રહીને જ આ દુંદાળા દેવની આરાધના પૂજા કરે તેવી મુખ્ય પ્રધાન રૂપાણીએ સૌને અપીલ પણ કરી છે.
પ્લાન એ પ્લાન્ટ વિથ ગણેશનો એક નવતર અભિગમ
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ પોતાના નિવાસસ્થાને ગણેશ સ્થાપન કર્યું છે. તેમણે આ વખતે ગણેશ સ્થાપનમાં ‘પ્લાન એ પ્લાન્ટ વિથ ગણેશ’નો એક નવતર અભિગમ અપનાવ્યો છે. તેમણે છોડમાં પરમાત્માની ભાવના કરીને પર્યાવરણનું જતન કરવાની લોકોને અપીલ કરી હતી. તેમણે આ પ્રસંગે મોટા પાયે વૃક્ષારોપણ કરવા માટે લોકોને અપીલ પણ કરી હતી.