IITGNના પ્રથમ ઓનલાઈન પદવીદાન સમારંભમાં 455 વિદ્યાર્થીઓએ ભાગ લીધો

ગાંધીનગરઃ  ગ્રેજ્યુએટ થનાર વિદ્યાર્થીઓએ કરેલી આકરી મહેનતની ખરા અર્થમાં ઉજવણી કરવા ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગર (IITGN) દ્વારા આજે 9મા પદવીદાન સમારંભનું અનોખા એવા વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઓનલાઈન માધ્યમમાં પણ ઈન્સ્ટિટ્યૂટે વિદ્યાર્થીઓની ગ્રેજ્યુએશન પ્રાપ્ત કર્યાની લાગણી જળવાઈ રહે એની ખાસ તકેદારી રાખી હતી.

આ સમગ્ર કાર્યક્રમનું IITGNની યૂટ્યૂબ ચેનલ પર અને ફેસબુક પેજ પર સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું.

173 BTech વિદ્યાર્થીઓ, 1 BTech ડ્યુઅલ ડિગ્રી વિદ્યાર્થી, 1 BTech-MTech ડ્યુઅલ ડિગ્રી વિદ્યાર્થી, 1 BTech-MSc ડ્યુઅલ ડિગ્રી વિદ્યાર્થી, 115 MTech વિદ્યાર્થીઓ, 84 MSc વિદ્યાર્થીઓ, 19 MA વિદ્યાર્થીઓ, 55 PhD વિદ્યાર્થીઓ અને 7 PGDIIT વિદ્યાર્થીઓ સહિત કુલ 455 વિદ્યાર્થીઓને ડિજિટલ માધ્યમમાં પ્રતીકાત્મક ડિગ્રીઓ સુપરત કરવામાં આવી હતી.

વધુમાં, એકેડેમિક્સ, અસાધારણ સંશોધન, નવી શોધ, નેતૃત્ત્વ ગુણ, સમાજ સેવા, રમતગમત, કળા અને સંસ્કૃતિ જેવી અનેક કેટેગરીઓમાં અસાધારણ દેખાવ કરવા બદલ 56 મેડલ પણ એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં 25 સુવર્ણ, 15 રજત મેડલ તથા 16 મેડાલિયન્સનો સમાવેશ થાય છે.

 ઈન્ફોસીસ લિમિટેડના ચેરમેન અને સહ-સ્થાપક નંદન નિલેકણી આ કાર્યક્રમના મુખ્ય અતિથિ પદે હતા. એમણે 12 વર્ષના ટૂંક સમયાગાળામાં અનેક સિદ્ધિઓ હાંસલ કરવા બદલ IITGNને અભિનંદન આપ્યા હતા. વિદ્યાર્થીઓને કરેલા ઓનલાઈન સંબોધનમાં એમણે કહ્યું કે, હાલની જાગતિક કટોકટીમાં તમારા સૌને માટે ગ્રેજ્યુએટ થવું એક કપરો સમય છે. પરંતુ તમારા દ્રષ્ટિકોણ અને ભવિષ્ય માટે આશાવાદી વલણે તમને આ સફળતા અપાવી છે. આ પ્રકારનું વલણ તમારો આત્મવિશ્વાસ ચાલુ રાખવામાં તમને મદદરૂપ થશે અને આપણે ચોક્કસપણે આ કટોકટીમાંથી વિજેતા બનીશું.

નિલેકણીએ વિદ્યાર્થીઓને સલાહ આપી કે તેઓ એમની આ ડિગ્રીને આજીવન શિક્ષણની સફરમાં માત્ર એકાદ સિદ્ધિ તરીકે ગણે. તમને IITની એક ડિગ્રી મળી ગઈ એટલે તમારી શિક્ષણ સફર સમાપ્ત થઈ ગઈ છે એવું સમજશો નહીં. આજનું જગત આજીવન શિક્ષણનું છે. મારું માનવું છે કે આજે આપણી સમક્ષ ભલે ગમે તેવા પડકારો છે, પરંતુ ભવિષ્યમાં ઘણી તકો ઉત્પન્ન થશે. તમે IIT ગાંધીનગરમાંથી મેળવેલા ગુણવત્તાસભર શિક્ષણ અને સકારાત્મક વલણના જોડાણથી તમે કાયમ કંઈક અર્થપૂર્ણ પ્રદાન કરી શકશો.

એ પહેલાં, IITGNના ડાયરેક્ટર પ્રો. સુધીર કે. જૈને વિદ્યાર્થીઓ તથા આમંત્રિતોનું આ ઓનલાઈન કાર્યક્રમમાં સ્વાગત કર્યું હતું. એમણે ગ્રેજ્યુએટ થનાર વિદ્યાર્થીઓને તથા મેડલ વિજેતાઓને અભિનંદન આપ્યા હતા. પોતાના સંબોધનમાં એમણે કહ્યું હતું કે આપ સહુને આપણા પરંપરાગત, વ્યક્તિગત પદવીદાન સમારંભના આનંદની ખોટ સાલતી હશે, પરંતુ આજના કાર્યક્રમને આપણે વિશેષ ગણીએ, જેમાં આપણે ટેક્નોલોજીની મદદથી એકત્રિત થયા છીએ. 

ગ્રેજ્યુએટ થયેલા  BTech વિદ્યાર્થીઓમાંના 38 ટકાને આંતરરાષ્ટ્રીય સ્તરે એમની પ્રતિભા દર્શાવવાનો અવસર પ્રાપ્ત થયો છે, જેમાં વિદેશમાં કાર્યક્રમોનો અભ્યાસ કરવા, સમર ઈન્ટર્નશિપ્સ કે આંતરરાષ્ટ્રીય પરિષદોમાં ભાગ લેવાનો સમાવેશ થાય છે. 14 ટકા વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ કરવાનો મોકો મળશે જ્યારે 20 ટકા BTech વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ હાથ ધરવા મળશે. તેઓ ન્યૂયોર્ક, વોશિંગ્ટન, ટેક્સાસની યુનિવર્સિટીઓમાં, સ્વિટ્ઝરલેન્ડના લુઝેન કે ઝુરીકની યુનિવર્સિટીમાં, IIM અમદાવાદ કે IIM કલકત્તા વગેરે સંસ્થાઓમાં  MS, MTech, MBA, ઈન્ટીગ્રેટેડ માસ્ટર્સ કે PhD કરી શકશે.

આ વર્ષે IITGN કેમ્પસમાં કુલ 154 કંપનીઓએ ભાગ લીધો હતો.