નવી દિલ્હીઃ ગુજરાતના સોમનાથ મંદિરની આસપાસનો ગેરકાયદે બાંધકામ પર હાલમાં બુલડોઝર એક્શનનો મામલો હવે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. પટની મુસ્લિમ સમાજે કોર્ટમાં તિરસ્કાર અરજી દાખલ કરી છે. આ અરજીમાં સોમનાથના કલેક્ટર અને અન્ય અધિકારીઓની વિરુદ્ધ અનાદરની કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. આ અરજીમાં દરગાહ મંગરોલી શાહ બાબા, ઇદગાહ, પ્રભાસ પાટણ, વેરાવળ, ગીર સોમનાથમાં સ્થિતિ અનેક ગેરકાયદે બાંધકામોનો હવાલો આપવામાં આવ્યો હતો. આ તિરસ્કાર અરજીમાં કહેવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના બુલડોઝર એક્શન પર રોકના આદેશ પછી મોટા પાયે તોડફોડ કરવામાં આવી હતી.
કોર્ટમાં દાખલ અનાદર અરજીમાં કહેવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરતાં ગુજરાતના સોમનાથમાં સદીઓ જૂની મસ્જિદો, મકબરાઓ અને ટ્રસ્ટીઓનાં ઘરો ગેરકાયદે રીતે તોડી પાડવામાં આવ્યાં છે. જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ કે. વી. વિશ્વનાથનની ખંડપીઠે બુલડોઝરથી વિધ્વંસની વિરુદ્ધ અરજીની સુનાવણી કરશે. કોર્ટે હજી થોડા દિવસ પહેલાં બુલડોઝર એક્શન પર સ્ટે ઓર્ડર આપ્યો હતો.
ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિર પાસે કથિત રીતે સરકારી જમીન પર દબાણ હટાવવા માટે 28 સપ્ટેમ્બરે ચલાવવામાં આવેલા અભિયાન દરમિયાન 135 લોકોની અટકાયતમાં લેવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે જિલ્લા તંત્રએ એક નિવેદનમાં કહ્યું હતું કે સોમનાથ મંદિર સ્થળ નજીક સરકારી જમીન પર ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે હજારો પોલીસ કર્મચારીઓને પણ તૈનાત કરવામાં આવ્યા હતા.