અમદાવાદઃ આરટીઓમાં નોંધાયેલાં જે વાહનોનો ટેક્સ ભરવાનો બાકી હોય તેવા ડિફોલ્ટરની સંખ્યા ઘણી મોટી છે.અમદાવાદ આરટીઓ રાજ્યની એકમાત્ર એવી આરટીઓ છે કે જ્યાં 70 થી 80 કરોડથી વધુ રકમના વાહન ટેક્સની મોટી રકમ વસૂલવાની બાકી નીકળે છે. તો રાજ્યનાં અન્ય આરટીઓમાં પણ રિકવરીની રકમ ઘણી ઘટી હોવાના કારણે હવે આ રકમની ડિફોલ્ટર પાસેથી વસૂલી કરવા સરકારે રેવન્યૂ રાહે કામગીરી કરવા માટે નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે વર્ષોથી જેમનાં વાહનોનો ટેક્સ ભરવાનો બાકી છે અને ભરતા નથી તેવા ડિફોલ્ટર પાસે હવે રેવન્યૂ રાહે વસૂલાત કરવાની રાજ્ય સરકારે સૂચના આપી છે. આ સૂચનાના પગલે હવે વાહન માલિકની પ્રોપર્ટી કબજે કરી ટેક્સ વસૂલી કરવા માટેની કાર્યવાહી કરવાનો પ્રયાસ કરાશે.
આરટીઓ પાસે તમામ વાહનોના ડેટા ઓનલાઇન છે, જ્યારે મેન્યુઅલ રેકોર્ડ મુજબના ૭૦થી ૮૦ કરોડથી વધુ જંગી રકમની વસૂૂલાત માટે આરટીઓ અધિકારી કામગીરી કરી શકતા નથી. આ અંગે એઆરટીઓ એસ.એ. મોજણીદારે જણાવ્યું હતું કે ટેક્સ ડિફોલ્ટની કામગીરી માટે કલેક્ટર સિવાય અન્ય કોઇ એજન્સીએ કામ કરવું હોય તો તે માત્ર મામલતદાર દ્વારા જ કરાવી શકાય છે તેમજ આ અંગે રેવન્યૂ રિકવરી સર્ટિફિકેટ લેવું પડે. હવે આ રિકવરી રેવન્યૂ રાહે કરવા મામલતદારની માગણી કરીશું.
હાલની વ્યવસ્થા અનુસાર અમદાવાદ સહિતની રાજ્યના કોઇ પણ આરટીઓમાં નવું વાહન રજિસ્ટર્ડ કરાવ્યું હોય તો ટેક્સની રકમ સાથે જ ભરી દેવાની રહે છે, જેથી આ અંગે હાલમાં કોઇ સમસ્યા નથી, પરંતુ જૂનાં વાહનોના ટેકસ પેટે મોટા ભાગના આરટીઓમાં ડિફોલ્ટર પાસેથી ટેક્સ વસૂલીની રકમ મોટી સંખ્યામાં હોવાથી હવે રેવન્યૂ રાહે કામ લેવાશે.