આંબેડકર જયંતિના અનુસંધાને ગૃહ વિભાગે રાજ્યોને જારી કરી એડવાઈઝરી

0
2404

નવી દિલ્હી- 14 એપ્રિલના રોજ આંબેડકર જયંતિના અનુસંધાને દેશમાં સુરક્ષાને લઈને સતર્ક રહેવા ગૃહમંત્રાલયે દેશના તમામ રાજ્યોની સરકારને એડવાઈઝરી જારી કરી છે. ગૃહમંત્રાલયે રાજ્ય સરકારોને સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધુ સઘન કરવા આદેશ આપ્યા છે. ઉપરાંત આદેશ આપ્યા છે કે, કોઈપણ પ્રકારનું જાન-માલનું નુકસાન ન થાય તે પણ રાજ્ય સરકારે જોવાનું રહેશે.ગૃહમંત્રાલયે રાજ્ય સરકારોને જણાવ્યું કે, જરુર જણાશે તો કોઈપણ સમયે પ્રતિબંધાત્મક હુકમ પણ જારી કરવામાં આવી શકે છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવવા આવશ્યક પગલા લેવા અંગે પણ ગૃહમંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું છે.

મહત્વનું છે કે, હાલમાં દલિત સમુદાય દ્વારા આપવામાં આવેલું ભારત બંધ હિંસક રહ્યું હતું અને બંધ દરમિયાન થયેલી હિંસામાં 17 લોકોના મોત થયા હતા. ઉપરાંત કરોડો રુપિયાની સાર્વજનિક સંપત્તિને પણ નુકસાન થયું હતું. દેશના કેટલાક વિસ્તારોમાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવાની પણ ઘટનાઓ પણ પ્રકાશમાં આવી હતી. જે સરકાર માટે ચિંતાનો વિષય છે. જેથી આ પ્રકારની અનિચ્છનિય ઘટનાઓ પર લગામ લગાવવા ગૃહમંત્રાલયે રાજ્ય સરકારોને એડવાઈઝરી જારી કરી છે.