ઉન્નાવ ગેંગરેપ કેસના આરોપી BJP વિધાનસભ્ય સેંગરની ધરપકડ

લખનઉ – છેલ્લા અમુક દિવસોથી ભારે ઉહાપોહ જગાવનાર ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં બનેલા ગેંગરેપ કેસના આરોપી, શાસક ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય કુલદીપ સિંહ સેંગરની સીબીઆઈ અમલદારોએ આજે વહેલી સવારે લખનઉમાંથી ધરપકડ કરી છે.

ઉન્નાવ શહેરમાં 18-વર્ષની યુવતી પર કરાયેલા ગેંગરેપ કેસના સંબંધમાં પૂછપરછ માટે સેંગરની ધરપકડ કરવામાં આવી છે.

ભારતીય ફોજદારી કાયદાની અપહરણ, મહિલાનું અપહરણ, બળાત્કાર, ગુનાઈત ધમકી આપવા જેવી કલમો હેઠળ સેંગર સામે ગુરુવારે પોલીસ એફઆઈઆર નોંધવામાં આવી હતી અને કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી.

સેંગરે પોતે નિર્દોષ છે એવી દલીલ કરી છે અને દાવો કર્યો છે કે એમને આ કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે.

બળાત્કારનો ભોગ બનેલી યુવતીએ કરેલી ફરિયાદને પગલે આદેશ આપવા છતાં સેંગરની ધરપકડ ન કરવા બદલ અલાહાબાદ હાઈકોર્ટે ગુરુવારે ઉત્તર પ્રદેશ સરકારનો ઉધડો લઈ નાખ્યો હતો.

સેંગરને સંડોવતા કેસમાં હાઈકોર્ટ આજે પોતાનો નિર્ણય સંભળાવવાની છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]