અમદાવાદઃ જાપાની ઓટોઉત્પાદક સુઝુકી મોટર કોર્પોરેશન રાજ્યના બહુચરાજીમાં વર્ષ 2026 સુધીમાં રૂ. 10,445 કરોડનું મૂડીરોકાણ કરશે. કંપની રાજ્યમાં ઇલેક્ટ્રિક વેહિકલ્સ માટે સ્થાનિકમાં ઇલેક્ટ્રિક્ટ વાહનો માટે બેટરીનું ઉત્પાદન કરશે. કંપનીએ આ માટે દિલ્હીમાં 19 માર્ચે MoU કર્યા હતા.
જાપાનના વડા પ્રધાન ફુમિયો કિશિદાએ હાલમાં ભારતની મુલાકાત લીધી હતી, એ વખતે ભારતમાં આયોજિત ભારત-જાપાન આર્થિક ફોરમમાં વડા પ્રધાન મોદીની ઉપસ્થિતિમાં મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. સુઝુકી મોટર કોર્પોરેશન (SMC)ના અધ્યક્ષ તોશિહિરો સુઝુકીએ કહ્યું હતું કે અમે આત્મનિર્ભર ભારતના ઉદ્દેશને સાકાર કરવા માટે ભારતમાં મૂડીરોકાણ કરવાનું જારી રાખીશું.
આ સિવાય ગ્રુપની અન્ય કંપની મારુતિ સુઝુકી ટોયોત્સુ ઇન્ડિયા પ્રા. લિ. 2025 સુધી વાહનોના રિસાઇકલિંગ પ્લાન્ટના નિર્માણ માટે રૂ. 45 કરોડનું મૂડીરોકાણ કરશે. SMCની ભારતીય સબસિડિયરી મારુતિ સુઝુકી ઇલેક્ટ્રિક વેહિકલ્સ ક્ષેત્ર 2025 સુધી પ્રવેશ કરવાની યોજના બનાવી રહી છે. કંપનીએ કહ્યું હતું કે ઇલેક્ટ્રિક વેહિક્લસની બજારની હાલની કિંમતે મોટા પાયે ઇલેક્ટ્રિક વાહનો વેચવા મુશ્કેલ રહેશે.