રંગોત્સવના પર્વને ઊજવવાની ચીજવસ્તુઓનું ધૂમ વેચાણ

અમદાવાદઃ કોરોના રોગચાળાના બે વર્ષ બાદ ફરી સ્થિતિ સામાન્ય થતાં લોકોમા ખાસ્સો ઉત્સાહ જોવા મળે છે. હોળી એટલે રંગભરી પિચકારીઓની મસ્ત મહેફિલ, હોળી વસંતઋતુની પરાકાષ્ઠાનું પર્વ છે.

ધુળેટી એટલે અબીલ ગુલાલ અને યૌવનનું પર્વ, ફાગણ સુદ પૂનમનો દિવસ. રંગના ભેદભાવ વિના ઊજવાતો રંગોત્સવ છે. ધુળેટી પર્વ આબાલવૃદ્ધ મન ભરીને ઊજવે છે. શહેરના બજારોમાં હોળી-ધુળેટીના તહેવારને ઉજવવાની સામગ્રીનું દરેક વિસ્તારોમાં ધૂમ વેચાણ થઈ રહ્યું છે.

કોરોના રોગચાળા પછી ઉત્સવોનો રંગ ફિક્કો પડી ગયો હતો, પરંતુ આ વર્ષે કોરોના વાઇરસનું સંક્રમણ ઓછું થતાંની સાથે જ ઉત્સવપ્રેમી લોકો હોળી-ધુળેટી ઉજવવા સજ્જ થઇ ગયા છે.

આ વર્ષે ઇકો-ફ્રેન્ડલી કલર, પિચકારીઓની વિવિધ સાઇઝ અને ડિઝાઇન બજારમાં આવી ગઈ છે. શહેરની લારીઓ, સિઝનેબલ મંડપો, દુકાનોમાં છોટા ભીમ, સુપરમેન, સ્પાઇડરમેન, જાણીતા ક્રિકેટરોનાં સ્ટિકર સાથે અનેક ડિઝાઇનમાં પિચકારીઓ આવી ગઈ છે.

વિવિધ રંગોના પેકેટ, પ્રાકૃતિક રંગો અને ફુગ્ગાના પેકેટ બજારમાં ઉપલબ્ધ છે. આ સાથે આ વર્ષે દરેક બજારમાં ધાણી, મમરા, ખજૂર અને હાયડા જેવી હોળીની ખાદ્ય સામગ્રીનું પણ મોટા પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)