રાજ્યમાં આકરી ગરમીને લઈ શાળા સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યની તમામ શાળા હવે સવારના 6 વાગ્યાથી લઈ બપોરના 11 વાગ્યા સુધી ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. રાજ્યમાં વધતા હિટવેવના કેસ અને ગરમીને લઈ ફેલાતા રોગચાળાને ધ્યાને રાખી આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ અગાઉ ગરમીને લઈ AMC એક્શન પ્લાન તૈયાર કર્યો હતો. જે પ્રમાણે તમામ પબ્લિક ટ્રાનસ્પોર્ટ પર પાણી તથા ORS ઉપલબ્ધ કરવાનો આદેશ આપ્યો છે. તો હવે કમિશનર ઓફ સ્કૂલની અમદાવાદ કચેરી દ્વારા ગરમી-હિટવેવ સંદર્ભે સ્કૂલો માટે ગાઈડલાઈન જાહેર કરી છે.
હાલ રાજ્યમાં સીબીએસઈ અને અન્ય બોર્ડની સ્કૂલોમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે. ત્યારે કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા ગરમી અને હિટવેવને લઈને સ્કૂલો સવારે 6 થી 11 વાગ્યા સુધી ચલાવવા માટે તમામ ડીઈઓને પરિપત્ર મોકલવામાં આવ્યો છે. આ ઉપરાંત ગરમીથી બચવાની જરૂરી ઉપાયો વિશે બાળકોમાં સમજણ આપવાનો પણ આદેશ આપ્યો છે. આ પરિપત્ર પ્રાથમિકથી લઈ ઉચ્ચતર સુધીની સરકાર ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની તમામ સ્કૂલોને મોકલમાં આવ્યો છે.
કમિશનર ઓફ સ્કૂલ કચેરી દ્વારા હીટવેવને લઈને રાજ્યની તમામ જિલ્લાની DEO કચેરીને કરેલા પરિપત્રમાં જણાવાયું હતું કે, હીટવેવને સાયલન્સ ડિઝાસ્ટર તરીકે ગણવામાં આવતું હોવાથી જિલ્લાની કચેરી દ્વારા તાબા હેઠળની શાળાઓને સચેત કરવા માટે તથા જરૂરી કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવે છે. આ માટે પરિપત્રમાં સ્કૂલોએ શું તકેદારી રાખવી તે અંગે પણ સૂચનાઓ આપવામાં આવી હતી.