ગાંધીનગરમાં કડક પોલીસ બંદોબસ્ત, આરોગ્ય કર્મીઓની હડતાળ પર લગામની તૈયારી!

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના કર્મચારીઓની માંગો છેલ્લા ત્રણ વર્ષોથી સંતોષવામાં ન આવતાં આજે તેમણે ગાંધીનગરમાં ધામા નાખ્યા છે. ત્યારે બીજી તરફ સરકાર દ્વારા આંદોલનને અટકાવવા માટે આરોગ્ય કર્મીઓની અટકાયતનો દોર શરુ કરી 1000 જેટલા આરોગ્યકર્મીની ધરપકડ કરી છે. આરોગ્યકર્મીઓની હડતાળના મામલે આરોગ્યમંત્રી ઋષિકેષ પટેલે નિવેદન આપતાં કહ્યું છે કે ‘આરોગ્યકર્મીઓની આ હડતાળ ગેરવ્યાજબી છે. હું તેમને અપીલ કરું છું કે આ હડતાલ વહેલી તકે સમેટી લેવામાં આવે, નહીંતર સરકારને પણ યોગ્ય પગલાં લેવાની ફરજ પડશે.’

ગાંધીનગરમાં હાલ વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે, જેને લઈને પોલીસ અને અધિકારીઓને સંપૂર્ણ તૈનાત કરી દેવાયા છે. ગાંધીનગર રેન્જની પોલીસ સહિત સ્થાનિક ટીમો દરેક ચેક પોસ્ટ પર ચાંપતી નજર રાખી રહી છે. સામાન્ય નાગરિકોની પણ તપાસ કરવામાં આવી રહી છે, અને ઓળખપત્ર બતાવ્યા બાદ જ સચિવાલય તરફનો રસ્તો ખુલ્લો કરવામાં આવે છે. વિધાનસભા સત્ર દરમિયાન આરોગ્ય કર્મીઓ દ્વારા સચિવાલયમાં ઘૂસીને કોઈ હોબાળો કે આંદોલન ન થાય, એ માટે પોલીસે અગાઉથી જ કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે. આરોગ્ય કર્મીઓની ગતિવિધિઓ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, રાજ્ય સરકાર હવે આરોગ્ય સેવાઓને પણ ‘અતિઆવશ્યક સેવા’ તરીકે જાહેર કરવાની દિશામાં આગળ વધી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ, વારંવાર હડતાળ કરીને દર્દીઓના જીવને જોખમમાં મૂકતા આરોગ્ય કર્મીઓની મનમાની હવે બરદાશ્ત નહીં કરવામાં આવે. ખાસ કરીને ફિક્સ-પે આધારિત કર્મચારીઓ જો હડતાળ પર ઉતરે, તો તેમની સેવા ખતમ કરવાની શક્યતા પર પણ વિચારણા ચાલી રહી છે. આ માટે સરકાર આવશ્યક સેવાઓ જાળવણી અધિનિયમ, 1981 (ESMA) હેઠળ નોટિફિકેશન જાહેર કરી શકે છે. અગાઉ પોલીસ, ઊર્જા જેવા ક્ષેત્રોને પણ આવશ્યક સેવાઓમાં સામેલ કરવામાં આવ્યા છે, અને હવે આરોગ્ય સેવાઓ પણ આ યાદીમાં જોડાઈ શકે છે.