દારૂકાંડમાં જવાબદારો સામે આકરાં પગલાં લેવાશેઃ સરકાર

અમદાવાદઃ ધંધુકા અને બોટાદના બરવાળા તાલુકામાં રોજિદ ગામમાં માદક દ્રવ્યોનું સેવન કરવાને કારણે ઘણા લોકો અસરગ્રસ્ત થયા છે. તેમને તાત્કાલિક ધોરણે અમદાવાદની સિવિલ હોસ્પિટલ અને ભાવનગરની સર ટી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે સરકારના આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા બરવાળા અને ધંધુકામાં અસરગ્રસ્ત લોકોને શોધી-શોધીને વધુ સઘન સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી જિતુભાઈ વાઘાણીને ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં આ દર્દીઓની સઘન સારવાર થાય એ માટે મોકલ્યા છે. તેમને બધી વ્યવસ્થા માટે અને આ ઘટનામાં જવાબદાર માદક દ્રવ્યોનું વેચાણ કરનારા અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા માટે સરકારે સૂચના આપી છે.

આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે આ ઘટનાની વિગતો આપતાં જણાવ્યું હતું કે આ ઘટનાને પગલે કુલ- ૭૮ લોકોને અમદાવાદની સિવિલ હોસ્પિટલ અને ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી ૨૫ લોકોનાં મૃત્યુ આરોગ્ય વિભાગ દ્વારા કન્ફર્મ કરવામાં આવ્યાં છે અને બે દર્દીઓના તપાસને અંતે મૃત્યુ પામ્યાં છે. તે કેવી રીતે મૃત્યુ પામ્યા તે તપાસ બાદ ખબર પડશે.

શિક્ષણ મંત્રી જિતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે આ ઘટના ગંભીર છે અને ચિંતા ઊપજાવનારી છે. સરકાર આ બાબતે ચિંતિત અને સજાગ છે, દુઃખની આ ઘડીમાં સરકાર મૃતક તેમ જ સારવાર લઈ રહેલા દર્દીઓના સ્વજનોની પડખે ઊભી છે.

આ ઘટનાની તપાસમાં કોઈ પણ પ્રકારની કચાશ ન રહે એ માટે હાઈ પાવર કમિટીની પણ રચના કરવામાં આવી છે. કમિટી ત્રણ દિવસમાં તેનો રિપોર્ટ રાજ્ય સરકારને સુપરત કરશે.

આ ઘટનાની તપાસ કરીને જે પણ હશે તે તથ્ય બહાર લાવવામાં આવશે. સરકારની સતર્કતાને લીધે ઘણા બધા લોકોના જીવ બચાવી શકાયા છે. આ દુઃખદ ઘટના છે. રાજકારણનો વિષય નથી. આ ઘટનામાં કોઈ પણ કસૂરવારને છોડવામાં આવશે નહીં. તેમની સામે સખત પગલાં લેવામાં આવશે.